માળીયા (મી.) : વિશ્વના વિકાસશીલ અને વિકસિત દેશોમાં કોરોના વાયરસની રસી અને દવા શોધવા માટે હોડ મચી છે ત્યારે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પણ ભારતીય આયુર્વેદિક પદ્ધતિનો બહોળો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. કોરોના સામે હેલ્થ ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે દેશી પદ્ધતિથી બનાવેલ ઉકાળો ખૂબ અસરકારક સાબિત થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક કક્ષાએ લોકો આ સ્વાસ્થ્યપ્રદ પીણા તરફ વળ્યા છે. માળીયા મી.ના એક નાનકડા ગામમાં ગ્રામીણોને નિઃશુલ્ક ઉકાળા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. માળીયા મી.તાલુકાના લક્ષ્મીવાસ ગામના સરપંચ દ્વારા રાષ્ટ્રીય તહેવાર ગણાતા 15મી ઓગષ્ટના દિવસથી આગામી 5 દિવસો સુધી સમસ્ત ગામમાં ઘેર ઘેર જઈ નિઃશુલ્ક ઉકાળા વિતરણ તથા માસ્ક વિતરણનો અન્યો માટે અનુકરણીય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાનના પ્રથમ દિવસે સરપંચ દ્વારા ઘરે ઘરે જઈ ગ્રામજનોને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. ઉકાળા વિતરણની આ ઝુંબેશ આવનારા 5 દિવસો સુધી અવિરત ચાલુ રહેશે એવું ગામના સરપંચ જયદીપભાઈ બાલુભાઈ સંઘાણીએ જણાવ્યું હતું. [gallery ids='104647,104648,104649,104650']