જ્યુડિશિયરીની સત્તા રેવન્યુ ઓથોરિટીને સોંપવાના સરકારના નિર્ણય સામે વકીલોમાં રોષ,મોરબી અપડેટ : ગુજરાત સરકાર દ્વારા નવું ભાડા વિધેયક 2026 પસાર કરવામાં આવ્યું છે. આ નવા વિધેયકના વિરોધમાં આજરોજ મોરબી જિલ્લા વકીલ મંડળના તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા છે. વકીલો દ્વારા આગામી તારીખ 5 ના રોજ પણ કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે અચોક્કસ મુદત સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.વકીલોના જણાવ્યા અનુસાર પહેલા ભાડાના કેસોની કાર્યવાહી JMFC કોર્ટ ચલાવતી હતી, પરંતુ નવા વિધેયક મુજબ હવે આ સત્તા મામલતદાર અને પ્રાંત અધિકારી જેવા વહીવટી તંત્રને સોંપવામાં આવી છે. ભાડાના કેસોમાં કબ્જો ખાલી કરાવવો, ભાડું વધારવું અને સ્ટાન્ડર્ડ રેન્ટ એક્ટ મુજબ ભાડું નક્કી કરવા જેવા કેસોનો સમાવેશ થાય છે. વકીલોના જણાવ્યા અનુસાર, JMFC કોર્ટ યોગ્ય પુરાવા લઈને કેસ ચલાવતી હતી, જ્યારે વહીવટી તંત્ર પાસે આવી કોઈ સત્તા કે જોગવાઈ નથી. ન્યાયપાલિકાની સત્તા ટ્રાન્સફર કરીને રેવન્યુ ઓથોરિટીને આપવાના કારણે પ્રજાને નુકસાન જવાની અને અન્યાય થવાની પૂરેપૂરી શક્યતા છે.વધુમાં વકીલોએ જણાવ્યું કે વહીવટી તંત્રના અધિકારીઓ પાસે વકીલોની જેમ કેસ ચલાવવા માટેનું યોગ્ય માધ્યમ અને પૂરતું નોલેજ હોતું નથી. ભાડાની આટલી મોટી તકરારો કોર્ટમાં જ ચાલવી જોઈએ જેથી પ્રજાને ન્યાય મળી શકે. વહીવટી તંત્ર દ્વારા સીધા જ નિર્ણયો આપવાથી પ્રજાને અન્યાય થઈ શકે છે, તેથી આ ભાડા વિધેયક 2026 માં ખરેખર સુધારો લાવવો જોઈએ તેવી વકીલોની સ્પષ્ટ માંગ છે.#MorbiUpdate #Morbi #RentBill2026 #MorbiAdvocateStrike #GujaratNews #LawyersProtest