મુખ્ય દાતા પરિવાર બેચરભાઈ પટેલ તરફથી 50 બેડનું કેર સેન્ટર ખુલ્લુ મુકાયું : MD તબીબો, નર્સિંગ સ્ટાફ, રહેવા-જમવાની નિઃશુલ્ક સુવિધા વાંકાનેર : વાંકાનેરમાં કોરોના દર્દીઓ સારવાર માટે દોડધામ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ સહિત તમામ ખાનગી હોસ્પિટલમાં પણ જગ્યા નથી રહી ત્યારે આશાનાં એક નવા 'કિરણ' સમાન 50 બેડનાં સ્વચ્છ સુઘડ અને કુદરતી વાતાવરણ વચ્ચે સ્થિત એવા ગાયત્રી શક્તિ પીઠ ખાતે ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત અને વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેદમાતા ગાયત્રી કોવિડ કેર સેન્ટરનો આજ રોજ પ્રારંભ કરવામાં આવ્યો છે. વાંકાનેરમાં ભુકંપ હોય કે પૂર કે કોઈ પણ કુદરતી આફતો વચ્ચે નિઃસ્વાર્થ લોકસેવામાં હમેશાં અગ્રેસર રહેતા બેચરભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રૂપ- વાંકાનેર) મુખ્ય દાતા પરિવારનાં સહયોગથી આ કેર સેન્ટરનો આજ રોજ ગાયત્રી શક્તિપીઠનાં સંચાલક અશ્વિનભાઈ રાવલનાં હસ્તે દીપ પ્રાગટય કરી પ્રારંભ કરાયો હતો. અહીં 25 બેડ મહિલાઓ માટે તથા 25 બેડ પુરુષો માટે અલગ અલગ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. વાંકાનેરનાં નામાંકિત તબીબ ડૉ. એ. જે. મસાકપુત્રાનાં સતત માર્ગદર્શન હેઠળ અહીં 4 જેટલા નિષ્ણાત તબીબો, નર્સિંગ સ્ટાફ સતત ખડેપગે સેવા આપશે. જો કે આ કેર સેન્ટરમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને જ પ્રવેશ મળશે. આ સમગ્ર આયોજન સફળ બનાવવા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ પ્રગ્નેશભાઈ પટેલ, ઉદ્યોગપતિ શૈલેષભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, ભાજપ અગ્રણી હિરેનભાઈ પારેખ, મુનાભાઈ હરમા સહિતનાં સહયોગથી આ કેર સેન્ટર યુદ્ધનાં ધોરણે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં અર્પિતભાઈ પલાણ (આર્પટન ઈન્ટરનેશનલ મોરબી) દ્વારા સેનેટાઈઝેશન ટ્રીટમેન્ટ પુરી પાડવાની સેવા આપવામાં આવી છે.