મહેશ રાજકોટિયા દ્વારા દરરોજ હજારો વાહન ચાલકોને પડતી મુશ્કેલી નિવારવા સ્ટેટ હાઇવે ઓથોરિટીને કરાઈ રજુઆત મોરબી : મોરબીથી રાજકોટને જોડતા ચારમાર્ગીય કામના પ્રારંભથી ગોકળગાયની ગતિથી ચાલતા કામને લઈને વારંવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો થઈ હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. ખાસ કરીને ટંકારા નજીક લતીપર ચોકડી નજીક નિર્માણાધિન ઓવરબ્રિજ નજીક બનાવવામાં આવેલા ડાઈવર્ઝનને લઈને લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલા સચિત્ર અહેવાલ બાદ મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટિયા તંત્રની નીંભરતા સામે ઉકળી ઉઠ્યા હતા અને તેઓએ મુખ્યમંત્રી તથા સ્ટેટ હાઇવે ઓથોરિટી ગાંધીનગરને લેખિત રજુઆત કરી આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. મહેશ રાજકોટિયાએ રોડની દશા જોઈ સ્ટેટ હાઇવે મોનીટરીંગની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. કોન્ટ્રાક્ટરોની મનમાની અને અણધડ કામગીરી તાકીદે ધ્યાને લઈ જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે રાજકોટિયાએ જણાવ્યું હતું કે, આ ભંગાર બની ચૂકેલા ડાઈવર્ઝન અંગે ખાસ અધિકારીને જવાબદારી સોંપીને યોગ્ય મોનીટરીંગ કરવામાં આવે. નોંધનીય છે કે મહેશ રાજકોટિયા પોતાના આક્રમક સ્વભાવ માટે જાણીતા છે ત્યારે પાછલા 4 વર્ષોથી નબળી નેતાગીરી અને ભ્રષ્ટ અધિકારીઓને કારણે પરેશાન થતા લાખો વાહન ચાલકોની સમસ્યાનો આ રજુઆત બાદ ક્યારે અંત આવે છે તે હવે જોવું રહ્યું.