ટંકારા : આંખના રોગોની સારવારમાં સમગ્ર રાજ્યમાં ડંકો વગાડનાર સેવાભાવી ડો. રમણીકભાઇ મહેતાનું ગત તા. 17ના રોજ અવસાન થયેલ છે. મૂળ વાંકાનેરના વતની હાલ લંડન નિવાસી શિક્ષા માટે માતબર રકમનું દાન આપનાર ડો. રમણીક મહેતાનું નિધન થતા ટંકારાની એમ. ડી. શાળા દ્વારા ભાવાંજલિ આપવામાં આવી છે. ડો. રમણીકભાઈ મહેતા અને તેના પત્ની ડો. ભાનુબેન મહેતાએ વાંકાનેર, ટંકારા ઉપરાંત અનેક શૈક્ષણિક સંસ્થાઓને પોતાનો સાથ-સહકાર અને આર્થિક યોગદાન આપ્યું છે. ટંકારામાં શ્રી મહર્ષિ દયાનંદ વિદ્યાલય ખાતે સાલ ૧૯૯૩માં પ્રાર્થના ખંડની જરૂર હતી. ત્યારે તેઓએ શાળાને દેવદયા પ્રાર્થના ખંડ, કમ્પ્યુટર, એ.સી. સહિતની જરૂરીયાત પુરી પાડી હતી. જેને યાદ કરતા એમ. ડી. વિદ્યાલય દ્વારા આજે શિક્ષણ કાર્ય શરૂ કર્યા પહેલા શ્રદ્ધાંજલિ સભા યોજી હતી. જેમાં આચાર્ય એલ. વી. કગથરા, ટ્રસ્ટી એચ. બી. કંસારા સહિતના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા મૌન પાળી દિગવંત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. અને તેમણે આપેલ યોગદાન માટે સંસ્થા કાયમ ઋણી રહેશે તેવી લાગણી સૌએ અનુભવી હતી.