વઘાસિયા ગામે આવેલ કિંમતી જમીન મામલે વૃદ્ધને જાનથી પતાવી દેવાની ધમકી વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે રહેતા વૃદ્ધને આજ ગામના બે શખ્સોએ ચંદ્રપુર નાલા પાસે એક દુકાનમાં તારી જમીન અમને જ વેચજે કહી હીંચકારો હુમલો કરી ફડાકા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જુના વઘાસિયા ગામે રહેતા મામદભાઈ મીરાજીભાઈ માથકીયા ઉ.70 નામના વૃદ્ધને આજ ગામના ખેંગારસિંહ હઠીસિંહ ઝાલા તથા ભગત ખેંગારસિંહ ઝાલા ગઈકાલે બપોરે ચારેક વાગ્યાના અરસામા ચંદ્રપુર નાલા પાસે દુકાને મળી ગયા હતા જ્યા આ બન્ને ઈસમોએ મામદભાઈને કહ્યું હતું કે તમારી છવીસ વિઘા જમીન અમને જ વેચજો તેવું કહેતા મામદભાઈએ જે ખરીદદાર બજાર ભાવ ચાલે છે તે મુજબ પૈસા આપશે તેમને જમીન વેચશુ તેવું કહેતા બન્ને ઉશ્કેરાઈ ગયા હતા. વધુમાં જુના વઘાસિયા ગામના બન્ને ઈસમોએ વૃદ્ધ મામદભાઈને આ જમીન અમને જ વેચજે નહિતર ગામ છોડીને ચાલ્યો જજે કહી ફડાકા ઝીકી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા મામદભાઈએ બન્ને વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.