માધાપરમા આવેલી જમીન ઉપર આરોપીઓએ કબજો કર્યો હતો મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં બિનખેતી થયેલી જમીન ઉપરના ચાર પ્લોટની કિંમતી જમીન પચાવી પાડનાર બે ભાઈઓ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના માધાપર સર્વે નંબર 1275 પૈકી 2ની બિનખેતી થયેલ જમીનના 4 પ્લોટ રવાપર રોડ ઉપર રહેતા વિરજીભાઈ છગનભાઇ કુંડારિયાની માલિકીના આવેલા છે. જે પ્લોટ ઉપર આરોપી હીરાલાલ માવજીભાઈ પરમાર અને ખીમજીભાઈ માવજીભાઈ પરમારે છેલ્લા બે વર્ષથી કબજો કરી લેતા વિરજીભાઈએ લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરી હતી. વધુમાં લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા વિરજીભાઈની અરજી મંજુર કરવામાં આવતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે માધાપરમાં આવેલ જમીનના ચાર પ્લોટ પચાવી પાડનાર આરોપી હીરાલાલ માવજીભાઈ પરમાર અને ખીમજીભાઈ માવજીભાઈ પરમાર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 4(1), (3), 5(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.