ગામના જ નાગરિકે ફરિયાદ કરતા તપાસ દરમિયાન એક વ્યક્તિએ મકાન બનાવી લીધાનું ખુલ્યું વાંકાનેર : વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે સરકારી જમીન ઉપર કબ્જો કરવામાં આવતા ગામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ મામલતદાર વાંકાનેર દ્વારા ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે સરકારી જમીનમાં દબાણ થયા હોવા અંગે ગામના જ જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા મામલતદાર વાંકાનેરની તપાસ દરમિયાન મનજીભાઈ રાયમલભાઈ જખાણીયાએ સરકારી જમીન ઉપર મકાન બનાવી લીધું હોવાનું અને જીતુભા ભરતસિંહ જાડેજા તેમજ પમાભાઈ દેવશીભાઈ પરમારે બબ્બે એકર જમીન ઉપર દબાણ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ મામલે વાંકાનેર મામલતદાર ઉત્તમભાઈ વિનયભાઈ કાનાણી દ્વારા સરકારી જમીન ઉપર કબ્જો કરનાર ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની જોગવાઈ મુજબ લેન્ડ ગ્રેબિંગ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.