રાજકોટ રહેતા મહિલાએ ખરીદેલી જમીન પર દોઢ વર્ષથી કર્યો હતો કબજોટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ખાતે દસ્તાવેજથી ખેતીની જમીન ખરીદનાર રાજકોટના વતની મહિલાની જમીન પર છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી વિરવાવ ગામના વ્યક્તિએ કબજો જમાવી દેતા લેન્ડગ્રેબિંગ એકટ મુજબ જિલ્લા કલેકટરને કરવામાં આવેલ ફરીયાદ બાદ લેન્ડગ્રેબિંગ સમિતિએ ફરિયાદ નોંધવા હુકમ કરતા ટંકારા પોલીસ મથકમાં જમીન પચાવી પાડનાર ઇસમ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના જુના મોરબી રોડ પર આર.કે.ડ્રિમલેન્ડમાં રહેતા દમયંતિબેન અમરશીભાઈ ચૌધરીએ ટંકારા તાલુકાના વિરવાવ ગામે રહેતા આરોપી આલજીભાઈ અમરાભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીએ તા.17/1/2025ના રોજ વિરવાવ ગામના રેવન્યુ સર્વે નંબર 569 પૈકી 23 પૈકી 2ની પાંચ વિઘા ખેડવાણ જમીન દસ્તાવેજથી ખરીદ કરી હતી. આ જમીન પર આરોપી આલજીભાઈ ચાવડા દ્વારા ગેરકાયદેસર કબજો કરી ખેતી કરવામાં આવતી હોય પારકી જમીન પચાવી પાડવા સબબ દમયંતિબેન દ્વારા લેન્ડગ્રેબિંગ કમિટી સમક્ષ ફરિયાદ કરવામાં આવતા લેન્ડગ્રેબિંગ કમિટીએ આરોપી આલજીભાઈ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા હુકમ કરતા દમયંતિબેનની ફરિયાદના આધારે ટંકારા પોલીસે લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.