ચકલીના માળાનો લોકોને મોટી સંખ્યા લાભ લેવાની અપીલ કરાઈ મોરબી : આવતીકાલે તા. 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ છે. ત્યારે મોરબીમાં છેલ્લા ઘણા સમયથી અવિરતપણે વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરીને 'ચકલી બચાવો' અભિયાન ચલાવતા લક્કી ગ્રુપ દ્વારા આવતીકાલે તા. 20 માર્ચના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી સામાકાંઠે હાઉસિંગ સર્કલ પાસે ચકલીના માળાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના લક્કી ગ્રુપના મોહિત ઘોડાસરા, જયપાલ જાદવ, ગજેન્દ્ર રાઠોડ, પાર્થ વડસોલા, વિમલ.કમડિયા સહિતના યુવાનો દ્વારા ચકલીના માળાનું વિતરણ કરાશે. તેથી, લોકોને આ ચકલીના માળાનો વહેલા તે પહેલાંના ધોરણે લાભ લેવા અનુરોધ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસની આંધળી દોટમાં હવે શહેરમાં ચોતરફ બહુમાળી ઇમારતોનું જંગલ છવાઈ જતા ચકલીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે. નળીયાના મકાનોમાં ચકલી અગાઉ સરળતાથી માળા બનાવીને વસવાટ કરતી હતી. પણ ઇમારતોવાળા ઘરોમાં આ રીતે માળા બનાવવાનું શક્ય ન હોવાથી ચકલી લગભગ શહેરમાં અદ્રશ્ય થઈ ગઈ હોય તેવી સ્થતી સર્જાઈ છે. ત્યારે મોરબીના લક્કી ગ્રુપ દ્વારા ઇમારતો વાળા ઘરોમાં પણ ચકલીનું રહેઠાણ બની શકે તે માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ રીતે મોરબીમાં છેલ્લા ઘણા સમયથી લક્કી ગ્રુપના યુવાનો ચકલી બચાવો અભિયાન ચલાવી રહ્યા છે. આ લક્કી ગ્રુપના યુવાનો શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં જઈને વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરે છે. અને કથા સહિતના ધાર્મિક પ્રસંગોમાં પણ ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરે છે. ત્યારે આ લક્કી ગ્રુપના યુવાનોનું આ ચકલી બચાવો અભિયાન ખરેખર સરાહનીય બન્યું છે.