પુરપાટ ઝડપે બાઇક ચલાવીને અકસ્માત સર્જનાર બાઇકચાલક સામે ગુનો નોંધાયો હળવદ : હળવદમાં પુરઝડપે જતા બાઈકચાલકે એક મહિલાને હડફેટે લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં મહિલાનો પગ ભાંગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના હરીદર્શન હોટેલથી શરણેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રસ્તે નયનાબેન રાજેશભાઇ ચાવડા ઉ.વ. ૪૩ ચાલીને જતા હતા. આ દરમિયાન ત્યાંથી પુરપાટ ઝડપે નીકળેલા જીજે ૧૩ એસ ૨૦૮૯ નંબરના હીરો હોન્ડા ચાલકે તેઓને હડફેટે લેતા તેમનો પગ ભાંગી ગયો હતો. આ ઘટના તા. ૨૫ના રોજ સર્જાઈ હતી. જેની ફરિયાદ મહિલાના પુત્ર યોગી ચાવડાએ હળવદ પોલીસ મથકમાં તા. ૧ના રોજ નોંધાવતા પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.