પગમાં ઇજા પામેલા દર્દીને ઉપરના માળેથી વ્હીલચેર આપવાની ના પાડી દેવાતા સગાને ધક્કા ખાવાનો વારો આવ્યો, મેડિકલ કોલેજ હોવા છતાં સુવિધાઓનો દુકાળમોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. નિયમ મુજબ કોઈપણ સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેઈટ પર એન્ટ્રી કરતી વખતે જ દર્દીઓ માટે વ્હીલચેર અને સ્ટ્રેચરની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ. પરંતુ, મોરબી સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા માત્ર ઈમરજન્સી વોર્ડ પૂરતી જ સીમિત રાખવામાં આવી છે.આ અસુવિધાના કારણે જે દર્દીઓના પગમાં ફ્રેક્ચર હોય કે ગંભીર ઈજા થઈ હોય, તેમને પોતાના સગાઓના ટેકે ચાલીને ઓર્થોપેડિક કે અન્ય વોર્ડ સુધી જવાની ફરજ પડે છે. હોસ્પિટલની આ બેદરકારીનો ભોગ વધુ દર્દીઓ અને તેમના સગાઓ બની રહ્યા છે.આ અંગે વિનયસિંહ કુમાર નામના યુવાને પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, તેમના દર્દીના પગમાં ઈજા હોવાથી તેઓ ઉપરના માળે વ્હીલચેર લેવા ગયા હતા. યુવાનનો આક્ષેપ છે કે ઉપરના માળે વ્હીલચેર હોવા છતાં ત્યાંના સ્ટાફે વ્હીલચેર આપવાની ઘસીને ના પાડી દીધી હતી અને નીચે ઈમરજન્સી વોર્ડમાંથી લઈ આવવા જણાવી દીધું હતું. ઈમરજન્સીની સ્થિતિમાં દર્દી પીડાતો હોવા છતાં સ્ટાફ દ્વારા વ્હીલચેર ન આપી આમથી તેમ ધક્કા ખવડાવવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.મોરબીમાં મેડિકલ કોલેજ કાર્યરત થયા પછી પણ સિવિલ હોસ્પિટલમાં વ્હીલચેર જેવી સામાન્ય અને પાયાની સુવિધા માટે દર્દીઓએ હાલાકી ભોગવવી પડે તે હોસ્પિટલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે.#Morbi #MorbiCivilHospital #MorbiUpdate #MorbiNews #Healthcare #Gujarat #MedicalCollege