મોટા ઉધોગગૃહો વહેલા અન્ય જગ્યાએ શિફ્ટ થયા પણ એનેક લઘુ ઉધોગોની ગટર સહિતની સમસ્યાથી ભારે નુકશાની વચ્ચે પણ રહેવાની મજબૂરી મોરબી : મોરબીની આર્થિક કરોડરજ્જુ ગણાતા અને સૌથી વધુ ટેક્સ ભરતા ઔદ્યોગિક વિસ્તાર લાતીપ્લોટની દશા તંત્રના પાપે એટલી હદે કપરી થઈ ગઈ છે કે આ વિસ્તાર વિકસિત થવાને બદલે વધુને વધુ બદતર બનતો જાય છે. પ્રાથમિક સુવિધાનો વર્ષોથી અભાવ વચ્ચે હાલ નાના મોટા ઉધોગકારો અને વેપારીઓ સહિત શ્રમિકોને ગટરની સમસ્યા ભારે સતાવી રહી છે. આ મુદ્દે સ્થાનિકોએ એટલી હદે રજુઆત કરી કે હવે ફરિયાદ કરી કરીને લોકો પણ થાકી ગયા છે. પણ છતાં તંત્રના પેટનું પાણી ન હલ્યું તે ન જ હલ્યું. મોરબીના લાતીપ્લોટ વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યો છે. પણ દરેક વખતે માત્ર ઠાલા આશ્વસન સિવાય કંઈ મળતું જ નથી. લાતીપ્લોટમાં ઘડિયાળ, પ્લાસ્ટિક સહિતના અનેક નાના મોટા ઉધોગો કાર્યરત છે. જો કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને દર ચોમાસામાં લાતીપ્લોટ બેટમાં ફેરવાય જતા અનેક મોટા ઉધોગગૃહો વહેલાસર અન્ય સારી જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે. પણ નાના ઉધોગોને એક તો મંદી સહિતની વેપારની સમસ્યાની સાથે હવે ગટર ઉભરવાની ભંયકર સમસ્યાને કારણે ત્રસ્ત હોય પણ મૂડીના અભાવે આ નાના ઉધોગકારો લાતીપ્લોટમાં ભારે નુકશાની વચ્ચે પણ પોતાનો ધંધો કરવા મજબુર છે. 1થી 12 જેટલી ઉભી શેરીઓમાં ફેલાયેલો વિશાળ લાતીપ્લોટનો મેઈન રોડ હોય કે અંદરની શેરી મોટાભાગની જગ્યાએ અવારનવાર ગટર ઉભરાઈ રહી છે. લાતીપ્લોટ મેઈન રોડ ઉપર ગટરના ગંદા પાણી ફેલાયેલા હોય અહીં હાજરો વાહનો તેમજ બાજુની ટ્રાવેલ્સ ઓફિસોમાં આવતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ગંદા પાણી વચ્ચે ચાલવા મજબૂર બને છે. જો કે સ્થાનિક લોકો હવે ફરિયાદ કરીને કંટાળી ગયા છે. કારણ કે ફરિયાદ બાદ તંત્ર ઉપરછલ્લી સફાઈ કરતું હોવાથી મહિનામાં 25 દિવસ ગટર ઉભરાયેલી રહે છે. આથી કાયમી ઉકેલ માટે નક્કર કાર્યવાહીની સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે.