જિલ્લાના 15 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો : આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી : તંત્ર એલર્ટ મોડ ઉપર, નાગરિકોને કામ વગર બહાર ન નીકળવાની અપીલ : જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરેએ જાહેર કરી માહિતીમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે કોયબા અને રાજસ્થળી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. આ ઉપરાંત 18 જેટલા રોડ બંધ થઈ ગયા છે. 15 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. હાલ તમામ સરકારી વિભાગો એલર્ટ મોડ ઉપર છે. અને કંટ્રોલ રૂમો પણ રાઉન્ડ ધ ક્લોક ધમધમી રહ્યા છે. જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લાની સ્થિતિ અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે મોરબીમાં હાલની સ્થિતિ પ્રમાણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ વરસાદનું જોર થોડું ઘટ્યું છે પરંતુ સંપૂર્ણપણે બંધ થયો નથી. આગામી 3 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારબાદ ઓરેન્જ અને ગ્રીન એલર્ટની સ્થિતિ થશે. રાહતની વાત એ છે કે જિલ્લામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નોંધાયું નથી.ડેમમાંથી પાણી છોડાયુંડેમની સ્થિતિ અંગે માહિતી આપતા કલેકટરે જણાવ્યું કે મચ્છુ 2 ડેમમાંથી લગભગ 30000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે મચ્છુ 3 ડેમમાંથી લગભગ 7500 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે. આ ઉપરાંત ધાડાધ્રોઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે.રસ્તાઓ અને વાહનવ્યવહારઆરએન્ડબી પંચાયતના 17 રસ્તાઓ પાણી ફરી વળવાના કારણે બંધ હતા, જેમાંથી વીજપોલની કામગીરી પૂર્ણ થતા 1 રસ્તો ચાલુ કરાયો છે. હાલ પંચાયતના 16 રસ્તાઓ અને સ્ટેટના 2 રસ્તાઓ બંધ છે. સ્ટેટના જે 2 રસ્તાઓ બંધ છે તેમાં હળવદ-સરા રોડ અને વાસડા-ખરેડા રોડનો સમાવેશ થાય છે. હળવદ-સરા રોડ પર પાણી ઉતરતા જ રસ્તો ચાલુ થઈ જશે, અને આવતા વર્ષે અહીં બ્રિજ માટેનો પ્રોજેક્ટ પણ આરએન્ડબી પંચાયત દ્વારા મંજૂર થઈ ગયો છે. વૃક્ષ પડવાની 2 ઘટનાઓ સામે આવી હતી જેમાં ફોરેસ્ટ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા કામગીરી ચાલુ છે.વહીવટી તંત્રની તૈયારીઓ અને રાહત બચાવતમામ તાલુકાઓમાં વર્ગ 1 ના લાયઝન અધિકારીની નિમણૂક કરી દેવામાં આવી છે જેઓ હેડક્વાર્ટરમાં હાજર છે. ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી સેન્ટર સંપૂર્ણ કાર્યરત છે. તમામ સરપંચ અને તલાટીઓને પણ હેડક્વાર્ટરમાં હાજર રહેવા સૂચના અપાઈ છે. જિલ્લામાં 1 SDRF ની ટીમ તૈનાત છે અને જરૂર પડ્યે રાજ્ય સરકાર મારફતે વધુ NDRF કે SDRF ની મદદ લેવામાં આવશે.શેલ્ટર હોમની વ્યવસ્થાજિલ્લામાં 380 ગામડાઓમાં શેલ્ટર હોમની વ્યવસ્થા છે. આ ઉપરાંત મહાનગરપાલિકામાં વોર્ડ દીઠ 1 અને નગરપાલિકા વિસ્તારોમાં 2 શેલ્ટર હોમ રાખવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધી કોઈને સ્થળાંતર કરવાની જરૂર પડી નથી.વીજ પુરવઠો અને સંપર્ક વિહોણા ગામોજિલ્લામાં 15 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાના અહેવાલ છે અને 5 વીજપોલ પડ્યાની માહિતી છે. PGVCL ની ટીમ ડેટા એકત્ર કરીને સત્વરે કામગીરી કરી રહી છે. કોયબા અને રાજસ્થળી એમ 2 ગામો હાલ સંપર્ક વિહોણા થયા છે. અગાઉ પણ રાજસ્થળી ગામનો સંપર્ક તૂટ્યો હતો જે સાંજ સુધીમાં પૂર્વવત થઈ ગયો હતો. વરસાદ રોકાતા જ આ બંને ગામોનો સંપર્ક ફરી પ્રસ્થાપિત કરવા પ્રયાસો કરાશે.માળિયા અને નીચાણવાળા વિસ્તારો માટે ખાસ વ્યવસ્થામાળિયા તાલુકા માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. નોડલ અધિકારી DSO મોરબી ત્યાં તૈનાત છે. શ્રમ અધિકારી અને મામલતદાર પણ ફિલ્ડમાં છે. ચોમાસા પહેલા મીઠાના અગરોમાંથી કોઈ રહી ન જાય અને દબાણો દૂર કરવાની કાર્યવાહી પહેલેથી જ કરી લેવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોના લોકોને અગાઉથી જાણ કરી દેવાઈ છે અને જરૂર પડ્યે તેઓને શેલ્ટર હોમમાં ખસેડવાની વ્યવસ્થા તૈયાર છે.લોકોને કલેકટરની અપીલકલેકટર સ્વપ્નિલ ખરેએ નાગરિકોને અપીલ કરી છે કે સાવચેતીના ભાગરૂપે જ્યાં સુધી વરસાદ સંપૂર્ણ બંધ ન થાય ત્યાં સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું. રસ્તા પર 3 થી 4 ઈંચ પાણી વહેતું હોય તો પણ રસ્તો ક્રોસ કરવો નહીં. કોઈ પણ મોટી સમસ્યા હોય તો તાલુકા કે જિલ્લાના કંટ્રોલ રૂમના નંબર પર અથવા મામલતદાર કચેરીનો સીધો સંપર્ક કરી શકાય છે.#Morbi #MorbiUpdate #MorbiRain #SwapnilKhare #CollectorMorbi #RainAlert #GujaratRain #SDRF #Monsoon #MorbiNews #MachhuDam