સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ફોન પણ બંધ! : શહેરનાં અનેક ખાનગી તબીબો પણ કોરોના પોઝિટિવ દર્દીઓ કરે છે સારવાર માટે રઝળપાટ : વાંકાનેરની હાલત દયાજનક વાંકાનેર : વાંકાનેરમાં કોરોનાએ રીતસર કાળો કહેર મચાવ્યો છે. તેમ હવે સિવિલ હોસ્પિટલમાં કોવિડ કેર વિભાગ ફૂલ થઈ જતાં હવે નવા દર્દીઓને દાખલ પણ નથી કરાતા અને દર્દીઓ સારવાર માટે ચારે બાજુ રઝળપાટ કરતા જોવા મળી રહ્યા છે. વાંકાનેર સિવિલમાં 30 બેડની ક્ષમતા ધરાવતા કોવિડ કેર વિભાગમાં હવે ક્ષમતાથી વધુ દર્દીઓ આવવા લાગતા તબીબોનાં હાથ પણ હેઠા પડ્યા છે અને હવે નવા દર્દીઓને અહીં દાખલ કરવાની મનાઈ કરવામાં આવે છે. વાંકાનેર સિવિલનાં કોવીડ વિભાગમાં ફરજ બજાવતા તબીબો સતત દિવસ રાત ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. પરંતુ, હવે વધુ દર્દીઓ આવવા લાગતા નાછૂટકે અહીં એડમીટ કરવાની મનાઈ કરવી પડે તેવી કફોડી અને ગંભીર હાલત જોવા મળી રહી છે. જ્યારે સિવિલમાં જગ્યા ન હોય દર્દીઓ ખાનગી હોસ્પિટલ તરફ દોડે છે ત્યારે તેમાં પણ મોટાભાગના વાંકાનેર શહેરનાં તબીબો પણ પોઝિટિવ હોય હોમ કોરોનટાઈન થયા છે ત્યારે ખાસ કરીને ગરીબ દર્દીઓ હવે રીતસર ભગવાન ભરોસે બેઠા છે. બીજીતરફ વાંકાનેરમાં રેમડેસીવીર ઇન્જેકસન માટે પણ કોઈપણ મેડિકલને પરમિશન અપાઈ નથી. ત્યારે આ ઇન્જેક્શન મેળવવા પણ લોકો રીતસર દોડધામ કરી રહ્યા છે. ત્યારે વાંકાનેરમાં મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે. ત્યારે શહેરના અગ્રણીઓ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા દિવસ-રાત એક કરવામાં આવી રહ્યા છે. તેમાં ખાસ કરીને તબીબો મળવા મુશ્કેલ હોય તે દિશામાં અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે વાંકાનેરની હાલત દયાજનક બની રહી હોય વહેલી તકે કોવિડ કેર સેન્ટર ની વ્યવસ્થા અનિવાર્ય બની છે.