આમરણ ગામે ધાર્મિક પ્રસંગે પ્રેરણાદાયી પહેલ મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે ચાલી રહેલ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ખરા અર્થમા જ્ઞાન યજ્ઞ બન્યો છે, અહીં દરરોજ રાત્રીના ભજન, ધૂન કે ડાયરો યોજવાને બદલે કાસુન્દ્રા પરિવાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શક કાર્યક્રમ યોજવામાં આવતા અનેક પ્રયોગશીલ ખેડૂતોએ આ જનજાગૃતિ કાર્યક્રમમાં જોડાઈને જ્ઞાન મેળવ્યું હતું. આમરણના ગ્રામજનો દ્વારા નવી પહેલ કરવામાં આવી છે, હાલમાં આમરણ ગામે કાસુન્દ્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. સામાન્ય રીતે કોઈ પણ સપ્તાહ દરમ્યાન રાત્રિના સપ્તાહને અનુરૂપ ભજન કે નાટક પ્રોગ્રામનું આયોજન કરતા હોય છે.પરંતુ આમરણ ગામે કથાના આયોજકો દ્વારા પર્યાવરણ લક્ષી પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંગે માથક ગામના દાજીબાપુ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના જાત અનુભવો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી બાલાભાઇએ પરિયાવરણ બચાવો અભિયાન વિષે ખેડૂતો માં જાગૃતતા કેળવાય અને વૃક્ષો વધુ વાવેતર થાય તે અંગે ચર્ચા કરી હતી તો પ્રાણજીવનભાઈ કાલરીયાએ ખેતીમાં ગાયનું મહત્વ વિશે માહિતી આપી હતી. જ્યારે જીલેશભાઈએ ખેડૂત સંગઠન મજબૂત થાય અને તેના પ્રશ્નોની રજૂઆત થાય તે અંગે ભાર પૂર્વક ખેડૂતોને આગળ આવવા આહ્વાન કર્યું હતું. આ તકે વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,મોરબીના ડી.એ. સરડવાએ ખેતી પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ અને જમીન પૃથક્કરણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં આમરણ ગામના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી પ્રાકૃતિક ખેતી સહિતના વિષયો અંગે જ્ઞાન મેળવ્યું હતું..