ચાર યુવાનો ઈજાગ્રસ્ત, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો મોરબી : મોરબીના કેસરબાગમાં યુવકો યુવતીઓની છેડતી અને મશ્કરી કરતા હતા. આથી, ચાર યુવાનોએ તેને છેડતી અને મશ્કરી કરવાની ના પાડી હતી. જેથી, છેડતી કરતા યુવાનોએ અન્ય શખ્સોને બોલાવી ચાર યુવાનોને છરીના ઘા ઝીંક્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે તા. 24ના રોજ રાત્રે 8-30 વાગ્યા આસપાસ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેસરબાગમાં રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા અને દિપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ઝાલા, અર્જુનસિંહ બલભદ્રસિંહ ઝાલા, શિવરાજસિંહ હરપાલસિંહ ઝાલા સહિતના મિત્રો ક્રિકેટ રમતા હતા. તે વખતે આરોપી દેવાંગભાઈ વિજયભાઈ અને તેનો મિત્ર બબુડો મહિલાઓની મશ્કરી કરીને છેડતી કરતા હતા. આથી, રાજદીપસિંહ અને તેના મિત્રોએ મહિલાઓની છેડતી અને મશ્કરી નહીં કરવા માટે દેવાંગને સમજાવ્યું હતું. આથી, ઉશ્કેરાય જઈને દેવાંગે તેના અન્ય મિત્રોને ફોન કરીને બોલાવ્યા હતા. ત્યારબાદ અજાણ્યા ત્રણ શખ્સો મોટરસાઇકલ લઈને ત્યાં આવ્યા હતા અને દેવાંગ સહિતના પાંચ શખ્સોએ ફરિયાદી સહિતના યુવાનો સાથે બોલાચાલી કરી માથાકૂટ કરી હતી અને ગાળાગાળી કરી હતી. તેમજ બબુડો નામના શખ્સે ફરિયાદી સહિતના યુવાનોને છરીના ઘા ઝીંકી દીધા હતા. આથી, ફરિયાદી રાજદિપસિંહ, દીપેન્દ્રસિંહ અને અર્જુનસિંહને પગ, સાથળ અને શરીરના અન્ય ભાગોમાં ઇજા થઇ હતી. આથી, તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ આ બનાવની તપાસ કરી રહી છે.