15 જૂને ગાંધીનગર ખાતે યોજાનાર કિસાન અધિકાર યાત્રાને શાંતિપૂર્ણ રીતે યોજવા દેવા અને ખેડૂતો પર અત્યાચાર કરનાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગમોરબી : વીજ લાઈનો નાખવા બાબતે ખેડૂતો પર થઈ રહેલા પોલીસ દમન મામલે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોએ ગાંધીનગર ખાતે ગુજરાતના નવા DGP જ્ઞાનેન્દ્ર સિંહ મલિક સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા, જયેશ પટેલ અને મહેશ રાજકોટિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખેડૂતોના પડતર પ્રશ્નો અને વીજ કંપનીઓ દ્વારા થતા દમન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ખેડૂતો માટે ન્યાયની માંગ કરવામાં આવી હતી.આ બેઠક દરમિયાન આગેવાનોએ DGP સમક્ષ પોલીસની કામગીરી અને તંત્ર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે વીજ કંપનીઓ તમામ કાયદાઓ તોડતી હોવા છતાં તેમને પોલીસ પ્રોટેક્શન શા માટે પૂરું પાડવામાં આવે છે. કલેક્ટરનો હુકમ માત્ર 67 મીટરમાં કામ કરવાનો હોવા છતાં આખા ખેતરમાં ખેડૂતોની પ્રવેશબંધી કરી દેવામાં આવે છે, જે બાબતે પણ આગેવાનોએ સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે જ, ખેડૂતોનું ગળું દબાવનાર, મહિલાઓને ઢસડનાર અને ધોળા દિવસે ખેડૂતોના ખેતરના ડેલાના તાળા તોડનાર જવાબદાર પોલીસ અધિકારીઓ સામે હજુ સુધી કોઈ પગલાં ન લેવાયા હોવાનો રોષ વ્યક્ત કરી, તેમની સામે તાત્કાલિક કડક કાર્યવાહીની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.પ્રતિનિધિમંડળે તંત્રના ભેદભાવભર્યા વલણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે જો કિસાન સંઘને 7 કલાક સુધી રસ્તો બ્લોક કરવાની છૂટ આપવામાં આવે છે, તો જેતપરના ખેડૂતોને આ હક કેમ નથી આપવામાં આવતો. આ તમામ આક્રોશ અને રજૂઆતોની સાથે ખેડૂતોના હિતમાં આગામી 15 જુનના રોજ યોજાનારી 'કિસાન અધિકાર યાત્રા' અંગે પણ બેઠકમાં DGP સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે વીજ કંપનીઓ દ્વારા 2013 ના જમીન સંપાદન કાયદા, 1885 ના ટેલિગ્રાફ એક્ટ અને 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટને નેવે મૂકીને પોલીસ અને પ્રશાસનની મદદથી ખેડૂતોના ખેતરોમાં બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા હોવાનો તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આગામી 15 જૂનના રોજ મહા કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી ટ્રેક્ટરો ગાંધીનગર પહોંચશે. DGP પાસે સ્પષ્ટ માંગ કરી છે કે આ યાત્રામાં જોડાતા એક પણ ટ્રેક્ટર કે ખેડૂતને હેરાન કરવામાં ન આવે. ખેડૂતોને પોતાની વાત રજૂ કરવા માટે શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર આવવા દેવામાં આવે. તાજેતરમાં બનેલી વિવિધ ઘટનાઓનો ઉલ્લેખ કરતા રજૂઆતમાં જણાવાયું હતું કે, દ્વારકામાં પોલીસ દ્વારા ખેડૂતને ગળે ટૂંપો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ગઈકાલે મોરબીના જેતપર ગામમાં બહેનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં ખેડૂતોના ડેલાના તાળા તોડવામાં આવ્યા. આ તમામ બિનઅધિકૃત અને ગેરકાયદેસર કૃત્યો કરનાર પોલીસ કર્મચારીઓ સામે તપાસ કરી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ રાજ્યના પોલીસ વડા સમક્ષ કરવામાં આવી છે.#MorbiUpdate #Gandhinagar #GujaratFarmers #KisanAdhikarYatra #GujaratPolice #JigneshMevani #KisanCongress #GujaratNews