ઈટના ભઠ્ઠામાં કામ કરવાનું પૂછવા માટે આવ્યા બાદ મજૂરો સાથે ઝઘડો કરતા બે મજૂરોએ મોતને ઘાટ ઉતાર્યો મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તે અજાણ્યા પુરુષની લાશ મળી આવવા પ્રકરણમાં મોરબી તાલુકા પોલીસ મથકમાં બે મજૂરો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળી ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તે અજાણ્યા 40 વર્ષના પુરુષની લાશ મળવા અંગે મોરબીના વિદ્યુતનગરમા રહેતા ઈટના ભઠ્ઠાના માલિક વિજયભાઈ ઉર્ફે મુન્નો ધીરુભાઈ સાંતલપરાએ તેમનાએ જ ભઠ્ઠામા કામ કરતા શ્રમિક અશોક સુખાભાઈ કોળી અને જીતેશ સીતાપરા વિરુદ્ધ અજાણ્યા પુરૂષની હત્યા કરવા મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં ઈટના ભઠ્ઠાના માલિક વિજયભાઈ ઉર્ફે મુન્નો ધીરુભાઈ સાંતલપરાએ જાહેર કર્યું હતું કે, ગત તા.3ના રોજ મૃતક અજાણ્યો પુરુષ તેમના ભઠ્ઠે કામ કરતા અશોક સાથે આવ્યો હતો અને કામે રહેવા જણાવ્યું હતું પરંતુ તેઓએ અજાણ્યા વ્યક્તિને કામે રાખવાની ના પાડતા એ વ્યક્તિ ચાલ્યો ગયો હતો. બાદમાં રાત્રીના સમયે આ અજાણ્યો પુરુષ ફરી ઇટના ભઠ્ઠે આવી મને કેમ કામે નથી રાખતા તેમ કહી ઝઘડો કરતા અશોક અને જીતેશે મળી પાવડાના હાથા વડે માર મારતા આ વ્યક્તિનું મૃત્યુ નિપજતા બન્ને મજૂરો મૃતદેહને ખોખરા હનુમાન મંદિર નજીક ટ્રેકટરમા નાખી ફેંકી આવ્યા હતા. અને પોલીસને મૃતદેહ મળતા વિજય ઉર્ફે મુન્નાએ સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને મજૂર વિરુદ્ધ હત્યા અંગે ગુન્હો નોંધી મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.