બે પિતરાઈઓ સ્ક્રેપ જોવા ગયા અને અપહરણકારોના ચૂંગલમાં ફસાયા, આખો દિવસ મારપીટ કરી ગોંધી રાખ્યા મામલો કાંતિલાલ સુધી પહોંચતા તેને આનંદીબેન અને ત્યાંના આઇજીને જાણ કરી, ભોગ બનનારના મોબાઈલ ફોનમાં સ્થાનિક પોલીસ અધિકારીઓના ફોન ચાલુ થઈ જતા આરોપીઓ તેને છોડી નાસી છૂટ્યા મોરબી : મોરબીના બે યુવાનો સ્ક્રેપ જોવા માટે યુપી ગયા હતા. જેઓ અપહરણકારોની જાળમાં ફસાઈ ગયા હતા. આખો દિવસ તેઓને આરોપીઓએ ગોંધી રાખ્યા હતા. પણ જેવો આ મામલો ધારાસભ્ય કાંતિલાલ સુધી પહોંચ્યો તેમને અડધો જ કલાકમાં ભોગ બનનાર બન્ને યુવાનોને છોડાવી દીધા હતા. મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ બાબુભાઇ રામાવત અને તેના પિતરાઈ ભાઈ અતુલભાઈ રામાવત બન્ને દિલ્હી ગયા હતા. જ્યાં તા.7ના રોજ તેઓએ ઇન્ડિયા માર્ટના આધારે યુપી એક સ્ક્રેપનો માલ જોવા જવાનું નક્કી કર્યું હતું. આ માટે તેઓએ વેપારીનો સંપર્ક કર્યો હતો. વેપારીએ દિલ્હી ખાતે તેના બે માણસો કારમાં તેડવા માટે મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. તે મુજબ બે વ્યક્તિ આવ્યા અને તેને વેપારીના મેનેજર અને ડ્રાઇવર તરીકે પરિચય આપી તેમનું ગોડાઉન કોશીકલાથી મથુરા રોડ ઉપર 30 કિમિ દૂર હોવાનું કહ્યું હતું અને કારમાં મોરબીના બન્ને યુવાનોને તે લઈ ગયા હતા. બાદમાં ગોડાઉન અહીંથી થોડું જ આગળ હોવાનું જણાવી બન્ને શખ્સોએ શેઠનું ફાર્મ હાઉસ આવી ગયું છે ત્યાં નાસ્તો કરી બાદમાં ગોડાઉનમાં જશું તેમ કહ્યું હતું. બાદમાં ફાર્મ હાઉસમાં નાસ્તો કર્યો ત્યાં બીજા 5 શખ્સ આવી ગયા હતા. સાતેય શખ્સોએ મળીને બન્ને યુવાનોને બંધક બનાવ્યા હતા. તેઓએ પાકીટ અને મોબાઈલ લઈ લીધા હતા. આ સાથે તેમની પાસે રહેલા પેમેન્ટના અઢી લાખ રૂપિયા, સોનાનો ચેઇન 4થી 4.5 તોલાનો અને એક તોલાનુ પેન્ડલ લઈ લીધું હતું. આ સાથે એટીએમમાંથી 29,500, 1000 અને 5000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું હતું. આ બન્ને યુવાનોને ઘરેથી ફોન આવે તો આ સાતેય યુવાનો પોતાના દબાવમાં રાખીને અપહરણની ખબર ન પડે તેવી રીતે વાત કરવાનું કહેતા હતા. આ સાથે બન્ને યુવાનો સાથે મારપીટ કરી ટોર્ચર કરતા હતા. બાદમાં સાતેય શખ્સોએ સ્થળ ફેરવવાનું વિચાર્યું હતું. જે મુજબ તેઓ બન્ને યુવાનોને કોઈ બીજા સ્થળે લઈ જતા હતા. તે વેળાએ અપહત યુવાનના ભાઈને કંઈક અજુગતું થયાની શંકા જતા તેને ફોન કર્યો હતો. ફોનમાં ભાઈએ પૂછ્યું કે કંઈક થયું છે ? મને એવું લાગે છે. જવાબમાં અપહત યુવાને હા પાડી હતી જેવી કે તેને હા પાડી અપહરણકારોએ તેનો ફોન કટ કરી નાખ્યો હતો. બાદમાં તેના ભાઈની શંકા પ્રબળ બની હતી. તેને અંદાજ આવી ગયો હતો કે તેમના ભાઈઓનું અપહરણ થઇ ગયું છે. આ મામલો ધારાસભ્ય કાંતિલાલ સુધી પહોંચ્યો હતો. કાંતિલાલે તુરંત યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલને ફોન કર્યો હતો. આ સાથે તેમને ત્યાંના આઇજીના પણ સતત સંપર્કમાં રહ્યા હતા. બાદમાં અપહત યુવાનના ફોનમાં સ્થાનિક પોલીસના કોલ આવ્યા લાગ્યા હતા. અપહરણકારોએ ટ્રુ કોલરમાં આ નંબર ચેક કરતા તેઓને માલુમ પડી ગયું હતું કે કોઈ વગવાળા વ્યક્તિ આ બન્ને યુવાનને બચાવવામાં લાગ્યા છે. જેથી અપહરણકારોએ બન્ને યુવાનોને ત્યાં જ કારમાંથી ઉતારી દીધા હતા. આમ કાંતીલાલને જાણ થયાના અડધો કલાક જેટલા સમયમાં જ મોરબીના બન્ને યુવાનોનો છુટકારો થયો હતો. બાદમાં આ બન્ને યુવાનો દિલ્હી થઈને મોરબી પહોંચ્યા હતા.