જડેશ્વરના વિડી વિસ્તારમાં સૂકા નારિયેળના કાચલા અને માટીના વાસણોમાંથી તૈયાર કરાયેલા 1000થી વધુ કીડિયારાં મૂકવામાં આવ્યા: પક્ષીઓ માટે ચણ અને પાણીની પણ વ્યવસ્થા કરાઈમોરબી : મોરબીની સામાજિક સંસ્થા યુવા શક્તિ ફાઉન્ડેશન, મોરબી તથા ભોલેનાથ જીવદયા ગ્રુપ, વાંકાનેરના સંયુક્ત ઉપક્રમે આજે જડેશ્વર નજીકના વિડી વિસ્તારમાં જીવદયાને સમર્પિત એક અનોખા “કીડિયારું મહોત્સવ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન 1000થી વધુ કીડિયારાં તૈયાર કરીને વિડી વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ મૂકવામાં આવ્યા હતા. આ તમામ કીડિયારાં સૂકા નારિયેળના કાચલા અને માટીના વાસણોમાંથી ખાસ તૈયાર કરાયા હતા, જેથી કીડી જેવા અતિ સૂક્ષ્મ જીવજંતુઓ માટે કુદરતી રીતે આશ્રય અને ખોરાકની ઉત્તમ વ્યવસ્થા થઈ શકે. આ સેવાયજ્ઞની સાથે-સાથે અબોલા પક્ષીઓ માટે ચણ અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.આ સમગ્ર સેવાકાર્યમાં સ્થાનિક યુવાનો, મહિલાઓ અને બાળકોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બાળકોને જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને કુદરતમાં વસતા દરેક નાના-મોટા જીવના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સંસ્થાના પ્રતિનિધિઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જીવદયા માત્ર મોટા પ્રાણીઓ પૂરતી સીમિત નથી, પરંતુ કીડીથી લઈને પક્ષીઓ સુધીના દરેક જીવ પ્રત્યે કરુણા અને સંવેદના રાખવી એ આપણી સંસ્કૃતિ અને નૈતિક જવાબદારી છે. આવા આયોજનોથી સમાજમાં સહઅસ્તિત્વની ભાવના વધુ મજબૂત બને છે. કાર્યક્રમના અંતે તમામ સેવાભાવી કાર્યકરો, મહિલાઓ અને બાળકોનો આભાર વ્યક્ત કરી, આગામી સમયમાં પણ આવા પ્રકૃતિલક્ષી કાર્યો સતત ચાલુ રાખવાનો સંકલ્પ લેવાયો હતો.#Morbi #Wankaner #MorbiNews #Jivdaya #KidiyaruMahotsav #Environment #MorbiUpdate #SocialService