મોરબી : પાછલા દિવસોમાં પડેલા ભારે વરસાદના સમયમાં મોરબી જળમગ્ન બન્યું હતું. જેનું એક કારણ ભૂગર્ભ ગટરોની વ્યવસ્થિત સફાઈનો અભાવ હોવાનું પણ સ્પષ્ટ થયું હતું. ત્યારે હજુ પણ ઠેર ઠેર ગટરોનું ગંદુ પાણી મેઈન હોલમાંથી બહાર વહેવાનું ચાલુ છે. જે અંગે દરરોજ અસંખ્ય ફરિયાદો પાલિકાને મળતી હોય છે. પરંતુ આ ફરિયાદોના નિરાકરણ બાબતે દુર્લક્ષય સેવવામાં આવી રહ્યું હોય એવી હૈયાવરાળ નાગરિકો ઠાલવી રહ્યા છે. પાલિકા વોર્ડ નંબર 12માં નાનીબજાર પાસે આવેલા ખત્રીવાડ મેઇનરોડ સ્થિત બજરંગ ચોકમાં નિયમિત રીતે ગટર ઉભરાવવાની સમસ્યા રહે છે. સ્થાનિકોની વારંવારની રજુઆત તંત્રના બહેરા કાને અથડાઈને પાછી ફરતી હોય એમ તંત્ર આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા પ્રત્યે દુર્લક્ષય સેવી રહી છે. જેનું માઠું પરિણામ સ્થાનિકો રોજ ભોગવી રહ્યા છે. આ ચોકમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. રોજ સેંકડો શ્રધ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચે એ રીતે ગટરના ગંદા પાણી વચ્ચે ચાલીને મંદિર સુધી જવું પડે છે. વળી સતત ભરાયેલા રહેતા ગંદા પાણીને કારણે વિસ્તારમાં ઘેર-ઘેર બીમારીના ખાટલા છે. તંત્ર જાણે કોઈ મોટો રોગચાળો ફેલાય તેની રાહ જોતું હોય એવો આક્રોશ દહેશત સાથે સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. [gallery ids='67307,67308,67309']