ગત જુલાઈ માસમાં આ સમયે 3 લાખથી વધુ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું હતું : આ વર્ષે 82,698 હેકટર વાવેતર વિસ્તાર ઘટ્યોમોરબી : ઓણસાલ મેઘરાજાએ રૂસણા લીધા હોય તેવી સ્થિતિમાં અડધો જુલાઈ વીતવા છતાં સારો વરસાદ ન થતા વરસાદના વિલંબની સીધી અસર ખરીફ વાવતેર પર પડી છે. વરસાદ ખેંચાતા મોરબી જિલ્લામાં ખરીફ ઋતુના વાવેતર પર સીધી અસર પડી છે.વર્ષ ૨૦૨૫માં જુલાઈ મધ્ય સુધીમાં ૩,૦૨,૦૦૧ હેક્ટર વાવેતર થયું હતું જે ચાલુ વર્ષમાં અંદાજે ૨૭.૩૮% ઘટી ૨,૧૯,૩૦૩ હેક્ટર થઈ ગયું છે. ગત વર્ષની તુલનાએ ઓણસાલ સમગ્ર જિલ્લામાં કુલ ૮૨,૬૯૮ હેક્ટર વાવેતર વિસ્તાર ઘટ્યો છે.મોરબી જિલ્લામાં ખરીફ સીઝનમાં વાવેતરની તાલુકાવાર સ્થિતિ જોઈએ તો મોરબી તાલુકામાં સૌથી વધુ ૩૩,૬૧૫ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ માળીયા મિયાણા તાલુકામાં સૌથી મોટો ૭૨.૩૪% નો ઘટાડો એટલે કે, ૪૬,૨૫૫ હેક્ટરથી ઘટીને માત્ર ૧૨,૭૯૫ હેક્ટર થયો છે. જેની સામે વાંકાનેર તાલુકો ૫૬,૪૧૯ હેક્ટર વાવેતર સાથે જિલ્લામાં સૌથી વધુ સ્થિર રહ્યો છે. જિલ્લામાં મુખ્યત્વે ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું છે જેમાં ઘટાડો થવાની સાથે જ સોયાબીનના વાવેતરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૫માં જિલ્લામાં કુલ ૯૨૭ હેક્ટરમાં સોયાબીન વવાયું હતું, જે ૨૦૨૬માં ઘટીને ૭૫૦ હેક્ટર રહ્યું છે. સોયાબીનના વાવેતરમાં વાંકાનેર તાલુકો ૬૧૫ હેક્ટર સાથે સમગ્ર જિલ્લામાં અગ્રેસર છે, જ્યારે મોરબીમાં ૧૦૦ હેક્ટર અને હળવદમાં ૩૫ હેક્ટર વાવેતર થયું છે. ટંકારા અને માળીયામાં સોયાબીનનું વાવેતર શૂન્ય રહ્યું છે.મહત્વનું છે કે, વરસાદ ખેંચાયો હોવાથી હજુ પણ મોરબી જિલ્લામાં ખેડૂતો ખરીફ સીઝનમાં વાવેતર કરી શક્યા નથી. ખાસ કરીને વરસાદના વિલંબથી શાકભાજી અને ઘાસચારાના વાવેતરમાં પણ ઘટાડો થયો હોવાથી સ્થાનિક બજારમાં શાકભાજીના ભાવો વધવાની સાથે પશુઓ માટેના ઘાસચારાના ભાવમાં પણ વધારો થયો છે. મહત્વનું છે કે, જિલ્લામાં કપાસનું વાવેતર ગત વર્ષના ૨,૦૬,૮૫૪ હેક્ટરથી ઘટીને ૧,૪૭,૪૨૬ હેક્ટર થયું છે. જ્યારે મગફળીનું કુલ વાવેતર ૬૮,૮૫૦ હેક્ટરથી ઘટીને ૫૭,૪૯૧ હેક્ટર થયું છે. જોકે, મગફળીના પાકમાં વાંકાનેર તાલુકામાં આ વર્ષે ૧૬.૬૨% નો વધારો થયો છે.