ઓણસાલ ચોમાસુ વિલંબથી આવતા ખેડૂતોની ખરીફ મોસમ બગડી : કપાસના પાકના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડા ઉપરાંત મગફળીના વાવેતરમાં 9 હજાર હેકટરથી વધુનો ઘટાડો નોંધાયોમોરબી : ઓણસાલ ચોમાસુ વિલંબથી બેસવાની સાથે જ વાવણી લાયક વરસાદ મોડો થતા મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ સિઝનના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ વર્ષ ૨૦૨૫ની તુલનામાં વર્ષ ૨૦૨૬ માં જિલ્લામાં કુલ વાવેતર વિસ્તારમાં આશરે ૧૮,૦૦૦ હેક્ટરથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને જિલ્લાના મુખ્ય ખરીફ પાકો એવા કપાસ અને મગફળી બન્નેના વાવેતર વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે.જો કે, આ વર્ષે ખેડૂતોએ તુવેરનું પણ મોટાપ્રમાણમાં વાવેતર કર્યું છે.મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૫ માં તમામ ખરીફ પાકોનું કુલ વાવેતર ૩,૦૭,૭૭૪ હેક્ટર જમીનમાં થયું હતું. તેની સામે વર્ષ ૨૦૨૬ માં આ આંકડો ઘટીને ૨,૮૯,૬૮૫ હેક્ટર નોંધાયો છે. એક જ વર્ષમાં જિલ્લામાં કુલ ખરીફ વાવેતરમાં સીધો ૧૮,૦૮૯ હેક્ટરનો ઘટાડો જોવા મળ્યો છે, આ વર્ષે ચોમાસુ વિલંબથી બેસતા મોરબી જિલ્લામાં મગફળીના વાવેતરમાં મોટો ઘટાડો નોંધાયો છે.વર્ષ ૨૦૨૫ માં જિલ્લામાં કુલ ૬૯,૦૯૫ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું.જેની સામે વર્ષ ૨૦૨૬ માં આ આંકડો નવ હજાર હેકટરથી વધુ ઘટીને ૬૦,૧૬૫ હેક્ટર થઈ ગયો છે.વધુમાં મોરબી તાલુકામાં વર્ષ ૨૦૨૫માં મગફળીનું વાવેતર ૧૭,૪૮૦ હેક્ટર હતું જે ઘટીને વર્ષ ૨૦૨૬માં માત્ર ૯,૦૨૮ હેક્ટર નોંધાયું છે. જ્યારે હળવદ તાલુકામાં પણ ૨૬,૫૯૦ હેક્ટર સામે આ વર્ષે ૨૫,૬૭૦ હેક્ટરમાં વાવેતર થયું છે. મગફળીની સરખામણીમાં ખેડૂતોએ કપાસના વાવેતરમાં પણ ઘટાડો કર્યો છે પરંતુ ગત વર્ષની તુલનાએ નજીવો તફાવત છે.વર્ષ ૨૦૨૫ માં જિલ્લામાં કુલ ૨,૦૭,૮૦૫ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું જેની સામે વર્ષ ૨૦૨૬ માં આ આંકડો થોડો ઘટીને ૨,૦૪,૨૫૯ હેક્ટર નોંધાયો છે. હળવદ તાલુકામાં કપાસનું વાવેતર ૪૧,૭૬૦ હેક્ટરથી ઘટીને ૩૫,૯૭૭ હેક્ટર થયું છે. જોકે, મોરબી તાલુકામાં કપાસના વાવેતરમાં જબરો વધારો નોંધાયો છે વર્ષ ૨૦૨૫ના ૫૮,૨૫૦ હેક્ટરથી વધીને ૨૦૨૬માં ૬૩,૨૮૬ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે.તુવેરનું વાવેતર વધ્યું, એરંડાનું ઘટ્યુંમોરબી જિલ્લામાં ઓણસાલ વરસાદ ખેંચાતા વાવેતર વિસ્તારમાં અઢાર હજાર હેક્ટરમાં ઘટાડો થયો છે ત્યારે આ વર્ષે ખેડૂતોએ મગફળી કપાસની બદલે તુવેર જેવા રોકડીયા અને ઓછા ખર્ચાળ પાકને વધુ પસંદ કર્યો છે. ગત વર્ષે 1466 હેક્ટરમાં તુવેરનું વાવેતર થયું હતું જેની સામે વર્ષ 2026માં 4284 હેક્ટરમાં તુવેરનું વાવેતર કરવામાં આવ્યું છે.બીજતરફ આ વર્ષે ખેડૂતોએ દિવેલા એટલે કે, એરંડાના પાકનું વાવેતર પણ ઘટાડ્યું છે. ગત વર્ષે એરંડાનું 3765 હેક્ટરમાં વાવેતર હતું જેની સામે વર્ષ 2026માં એરંડાનું વાવેતર માત્ર 2336 હેક્ટરમાં વાવેતર થયું હોવાના આંકડા સામે આવ્યા છે. જો કે ખેતીવાડી વિભાગે હજી એરંડાનું વાવેતર 15 ઓગસ્ટ પછી વધવાની શક્યતા વ્યક્ત કરી છે.