આજે પ્રથમ બાળવાર્તા દિન : 'મૂછાળી માં'ના હુલામણા નામથી પ્રસિદ્ધ ગિજુભાઈ બધેકાની આજે 137મી જન્મજયંતી વાર્તાના અંતે બોધ ન કહેવો, બોધ માટે વાર્તા નથી. બાળક એની મેળે બોધ મેળવી લેશે : ગિજુભાઈ બધેકા બાળવાર્તાઓ વર્તમાનમાં પણ જીવંત રહે અને બાળકોના ઘડતરમાં તેનો ઉપયોગ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગિજુભાઈ બધેકાના જન્મદિવસને 'બાળવાર્તા દિન' તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે પ્રથમ બાળવાર્તા દિન છે. 'મૂછાળી માં'ના હુલામણા નામથી પ્રસિદ્ધ ગિજુભાઈ બધેકાએ ગુજરાતી પ્રજાને ખડબડ ખડબડ ખોદત હે.. જેવા જોડકણાંથી સભર બાળવાર્તાઓનો અમૂલ્ય વારસો આપ્યો છે. આજે તેમની 137મી જન્મજયંતી છે. ગિજુભાઇએ ભાવનગરની ધરતી અને દક્ષિણામૂર્તિથી બાળમાનસને કેળવવાના વિચારનો પાયો નાખ્યો હતો. સો વર્ષ પહેલાં બાળગીતો-વાર્તાઓ દ્વારા બાળકોના ઘડતરની જે વાત ગિજુભાઈ બધેકાએ કરી હતી તેને નવી શિક્ષણ નીતિમાં પણ સામેલ કરાઇ છે. રાજ્ય સરકારે ગિજુભાઈ બધેકાના જન્મદિવસને ‘બાળવાર્તા દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લેતા આજે ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાલયમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિજુભાઈ માનતા કે વાર્તાના બે જ હેતુ હોય, આનંદ પ્રાપ્તિ અને ભાષા વિકાસ. તેમણે પોતાના પુસ્તકમાં કહ્યું છે કે, વાર્તાનો અંત સુખાંત હોવો જોઈએ. વાર્તામાં જોડકણા હોય તો બાળકોને ખુબ મજા આવે છે. જેમ કે, ‘ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોક જોવત હે, કૂકડમૂકડ બેઠત હે, ધડબડ ધડબડ દોડત હે’. ગિજુભાઈ એમ પણ કહેતા કે વાર્તાના અંતે બોધ ન કહેવો, બોધ માટે વાર્તા નથી. બાળક એની મેળે બોધ મેળવી લેશે. ગિજુભાઈ બધેકાનો પરિચય ગિજુભાઈ બધેકાનો જન્મ 1885માં 15 નવેમ્બરના રોજ થયો હતો. તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું. તેમનું બાળપણ બાપ દાદાના મૂળ ગામ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ વલભીપુરની નિશાળમાં લીધું હતું. ગિજુભાઈ પ્રખ્યાત શિક્ષણવિદ્ હતા. જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ 'મૂછાળી મા' ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. 1907માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા. 1920ના દાયકામાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં બાળમંદિરની સ્થાપના થઈ અને ગિજુભાઈ એના આચાર્ય પદે નિયુક્ત થયા હતા. 1923માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે. તેમનું અવસાન 1939માં 23 જૂનના રોજ મુંબઈ ખાતે થયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..