અવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાના કામનું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખાતમુહૂર્ત મોરબી : મોરબીના અવની ચોકડીએ વર્ષોથી ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે યોજના હેઠળ પાઇપલાઇન નાખવાના કામનું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં 32 લાખના ખર્ચે 400 મીટર પાઇપલાઇન નાખવામાં આવશે. મોરબીના પોશ વિસ્તાર ગણાતા અવની ચોકડીએ છેલ્લા પાંચ વર્ષથી દર ચોમાસામાં પાણી ભરવાની મોટી સમસ્યા સર્જાય છે. અવની ચોકડીએ સામાન્ય વરસાદમાં પણ તલાવડા ભરાય જતા અને ભારે વરસાદ તો આ વિસ્તાર અને આસપાસની સોસાયટીઓ બેટમાં ફેરવાય જાય છે. આથી સ્થાનિકો વર્ષોથી અવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાની માંગ કરી રહ્યા હતા. ત્યારે આજે અવની ચોકડીએ પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ. 32 લાખના ખર્ચે અવની ચોકડીથી અવની સોસાયટી સુધી 400 મીટરમાં પાઇપલાઇન નાખવામાં આવશે. તંત્ર દ્વારા દોઢ મહિનામાં આ કામ પૂરું કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વહીવટીદાર એન. કે. મૂછાર, ચીફ ઓફિસર ડી. સી. પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયા, શહેર ભાજપ પ્રમુખ લખાભાઈ જારીયા, કે.એસ. અમૃતિયા, ભાજપ મહામંત્રી જયુંભા જાડેજા, રિશીપ કૈલા, ભાવેશ કંઝારિયા, કેતન વિલપરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વહીવટીદાર એન. કે. મૂછારે કહ્યું હતું કે, અવની ચોકડીએ પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું કામ દોઢ મહિનામાં પૂરું થશે. 400 મીટરનો પાઇપ નાખવામાં આવશે. જેથી વર્ષોનો પાણી ભરવાનો પ્રશ્ન હલ થશે. નગરપાલિકાની ગાડી ધીરે પાટે ચડાવવા જે દેવું હતું તે ભરવા માટે લોકોને અપીલ કરી છે કે બાકી વેરા ઝડપથી ભરે. દર મહિને 80 લાખ રૂપિયાની બચત થાય છે અને પાલિકાનો પારદર્શક વહીવટ આપવાની કોશિશ કરીએ છીએ. વધુમાં નવા બાંધકામ ધારકોને રોડ ઉપર સીડી કે છજા બહાર ન કાઢવાની તાકીદ કરી હતી. નવી ટીપી સ્કીમ માટે પણ પ્રયાસો ચાલુ છે. જ્યારે ધારાસભ્ય અમૃતિયાએ જણાવ્યું હતું કે, એક વર્ષ સુધી થોડી તકલીફ પડશે. પણ એક વર્ષ પછી કોઈ તકલીફો નહિ પડે. અત્યાર સુધીમાં જે જે પ્રશ્નો છે તે દૂર કરવાના પ્રયાસો ચાલુ છે. જેમાં આજે અવની ચોકડીએ જુના પ્રશ્નના નિકાલ માટે પાણીની પાઈપલાઈન નાખવા ગટર બંધ કરી કામ શરૂ કરાશે. એટલે એક વર્ષ મુશ્કેલી પડશે અને પ્રજાનો એક એક રૂપિયો ખોટો ન વરફડાય તે જોવાની અમારી ફરજ હોય એ ફરજ પૂરેપૂરી નિભાવશું અને નબળી કામગીરી કોઈ કાળે નહિ ચલાવી લેવાય એથી કોન્ટ્રાક્ટરોને ગુણવતાસભર કામગીરી કરવાની તાકીદ કરી છે. https://youtu.be/mX_RHMOw4lQ