મોરબી : માળિયાના નવા દેરાળા ગામના પાદરમાં કુદરતે જાણે કરામત કરી હોય તેમ લીમડાની ઉપર પીપળ ઊગી નીકળી છે. આ ઘટનાએ ગામમાં ભારે કુતૂહલ જગાડ્યું છે. જેવી આ વાત ગામા પ્રસરી ગ્રામજનો આ પીપળ જોવા ઉમટી પડ્યા હતા. નવા દેરાળા ગામના ધવલભાઈ સરડવાએ જણાવ્યું કે તેઓનું મિત્ર વર્તુળ ગઈકાલે ગામના પાદરે બેઠું હતું. ત્યારે અચાનક ધ્યાન પડતા જોયું કે લીમડા ઉપર પીપળ ઊગી છે. આ દ્રશ્ય જોઈ સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા. આ ઘટના અંગે નિવૃત રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને પર્યાવરણ પ્રેમી વી.ડી. બાલાએ જણાવ્યું કે કુદરત પાસે વૃક્ષારોપણની પોતાની સિસ્ટમ છે. જો આપણે તેને ખલેલ ન પહોંચાડી હોત તો આપણે વૃક્ષારોપણ કરવાની જરૂર પણ ન પડત. આપ મેળે જ વૃક્ષો ઉગતા રહેત. અનેક વૃક્ષોના ફળ કે બીજ પક્ષી આરોગે છે. બાદમાં તે પક્ષી જ્યાં ચરક મૂકે છે ત્યાં વૃક્ષ ઊગી નીકળે છે. આ બીજના કણો પક્ષીના પેટમાં જઈને જરૂરી તાપમાન મેળવે છે. જેથી વૃક્ષ ઝડપથી ઊગી નીકળે છે. વધુમાં તેઓએ કહ્યું કે અમુક બીજ હવામાં ઉડીને જ્યાં પડે છે ત્યાં ઊગી નિકળે છે. અમુક બીજ પશુઓની રૂંવાટીમાં ચોટીને જ્યાં પડે છે ત્યાં ઊગી નીકળે છે. આમ પર્યાવરણની પોતાની એક સાયકલ છે જે ચાલ્યા કરે છે પણ આ સાયકલને આપણે ડિસ્ટર્બ કરી છે. એટલે હવે તેને ઓછામાં ઓછું નુકસાન પહોંચે તેવા વધુમાં વધુ પ્રયાસ થવા જોઇએ.