મોરબી : વર્ષ 1992માં અયોધ્યા ખાતે કારસેવામાં ગયેલા મોરબીના બે સજ્જનોએ અયોધ્યા ખાતે નિર્મિત પ્રભુશ્રી રામ મંદિર નિર્માણ અંગે ખુશી વ્યક્ત કરી ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા.મોરબીના ડો.વનરાજસિંહ જાડેજા અને ડો.બી.કે.લહેરૂએ અયોધ્યા ખાતે નવનિર્મિત પ્રભુ શ્રીરામના દિવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ અનહદ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ વાંકાનેરથી રેલવે દ્વારા ગત તા.6-12-1992ના રોજ અયોધ્યા કારસેવા માટે પહોંચ્યા હતા પરંતુ બન્નેને અયોધ્યા રેલવે સ્ટેશન ખાતે જ રોકી દેવામાં આવ્યા હતા. જો કે, આ સમયે બન્ને સજ્જનોએ અયોધ્યામાં થયેલ લાઠીચાર્જ અને અશ્રુવાયુ છોડવાના દ્રશ્યો નિહાળ્યા હોવાનું જણાવી ભૂતકાળ વાગોળી આગામી તા.22ના રોજ પ્રભુ શ્રી રામના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.