ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીને લઈને વિવાદ યથાવત : કરણી સેનાની વડાપ્રધાન મોદીને રૂપાલાના વિરોધમાં રજુઆતમોરબી : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ પ્રચાર સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરતા રાજપૂત સમાજે તેની સામે વિરોધ નોંધાવ્યો છે. આ ઉપરાંત કરણી સમાજે તો તેની ટીકીટ રદ કરી બીજે ક્યાંયથી પણ ટીકીટ ન આપવાની માંગ ઉઠાવી છે.રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહામંત્રી કનકસિંહ ડી. જાડેજાએ વડાપ્રધાન મોદીને રજુઆત કરી છે તેમાં જણાવ્યું છે કે તાજેતરમાં એક જ્ઞાતિ સંમેલનમાં લોકસભા ચુંટણીના અનુસંધાને સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહી ચુકેલ પુરૂષોતમ રૂપાલાએ રાષ્ટ્રના ગૌરવવંતા ક્ષત્રિય સમાજ વિષે અભદ્ર, અશોભનીય અને અત્યંત વિકૃત માનસિકતા ભરેલા શબ્દો સાથે ટિપ્પણી કરેલ છે. તેનાથી સંગઠનોમાં તીવ્ર રોષ તથા ન કલ્પી શકાય તેવો ગુસ્સો તથા સહન ન થઈ શકે તેવી રોષસભરી જવાલા પ્રવર્તે છે. રાષ્ટ્રની સુરક્ષા -સલામતિ અને અસ્મિતાના જાગ્રત પહરી સમાન ક્ષત્રિય સમાજે લાખો બલિદાન આપી શહીદી અર્પી દેશની ધરોહરને વખતોવખત ચિરંજીવ રાખેલ છે.દુઃખની વાત એ છે કે કેન્દ્રીય મંત્રી અને સાંસદ જેવી જવાબદાર જાહેર જીવનની વ્યકિત ઇતિહાસ જાણ્યા વિના હકીકત જાણ્યા વિના ફકત ને ફકત ટૂંકી સ્વાર્થ બુધ્ધિથી રાજકીય લાભ મેળવવા આવા બેજવાબદારીભર્યા મનઘડત નિવેદનો આપે તે હકીકતમાં ખુબ જ દુઃખદ છે. સમગ્ર રાજપુત સમાજ ખુબ જ વ્યથિત છે અને ઉંડા આઘાતની લાગણી અનુભવે છે.સમગ્ર રાજપુત સમાજ તેમજ સંગઠનોની સ્પષ્ટ લેખીત માંગણી છે કે આવા ઉધ્ધત બેજવાબદાર અને સમાજવિરોધી અને સમાજની અસ્મિતાને વિકૃત માનસિકતાથી ઠેસ પહોંચાડનાર પુરૂષોતમ રૂપાલાને ફકત રાજકોટ બેઠક જ નહિ પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં એકપણ સ્થળેથી ચૂંટણી લડવા માટે ટિકીટ ન આપે અને આપેલ ટિકીટની ફાળવણી રદ કરી રાજપુત સમાજની તીવ્ર આક્રોશ સંવેદના અને લાગણીઓને વાચા આપી યોગ્ય કરે.