માળીયા બ્રાન્ચ કેનાલમા પાણી ચોરી અટકાવવા માલવણથી હળવદ સુધી 25 ગાડીઓ સાથે પેટ્રોલિંગ : 10 અનઅધિકૃત ગેઇટ બંધ કરાવી 100 બકનળી કઢાવી મોરબી : માળીયા મિયાણા તાલુકાના છેવાડાના ગામો સુધી નર્મદા કેનાલના પાણી ન પહોંચતા હોવાની ખેડૂતોની ફરિયાદ બાદ આજે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પોલીસ, નર્મદા નિગમના અધિકારીઓ સહિત 25 ગાડીના કાફલા સાથે કેનાલ યાત્રા કરી 10 ગેટ બંધ કરાવી 100 બકનળીઓ કઢાવી પાણીના પ્રવાહને માળીયા તરફ મોકલવા પ્રયાસો કર્યા હતા. મોરબી જિલ્લામાં હળવદથી માળીયા તરફ આવતી નર્મદા બ્રાન્ચ કેનાલમાં ઉપરવાસમાં થતી બેફામ પાણી ચોરીને કારણે સિંચાઈની ખરી જરૂરત સમયે જ પાણી પહોંચતું ન હોવાથી આજે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ કરેલી જાહેરાત મુજબ માલવણથી હળવદ સુધી પોલીસ કાફલો અને નર્મદા નિગમના અધિકારીઓની ટીમને સાથે રાખી 25 ગાડીઓ સાથે કેનાલ યાત્રા કરી હતી. વધુમાં ધારાસભ્ય કાંતિલાલની કેનાલ યાત્રા દરમિયાન નર્મદા કેનાલમાં નાખવામાં આવેલ 100 જેટલી બકનળીઓ કાઢી નાખી 10 અનઅધિકૃત ગેઇટ પણ બંધ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત કેનાલમાં બકોરા પાડી નાખવામાં આવેલ નળીઓ પણ કઢાવી હતી અને કેનાલના કર્મચારીઓ જ પૈસા લઈ પાણીનો વેપલો કરતા હોવાનો આરોપ પણ ધારાસભ્યએ લગાવ્યો હતો.