છેવાડાના ગામોમાં પાણી ન પહોંચતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા માલવણ નર્મદા કેનાલની જાત મુલાકાત કરશે મોરબી : નર્મદા કેનાલનું પાણી છેવાડાના ગામોમાં પહોંચતું ન હોવાની ફરિયાદ બાદ મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આવતીકાલે 30 ઓગસ્ટના રોજ માલવણ નર્મદા કેનાલની જાત મુલાકાત લેવા જનાર હોવાનું જાહેર કર્યું છે. હાલના સંજોગોમાં વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતોની માંગને ધ્યાને લઈને સરકાર દ્વારા ખેડૂતો માટે કેનાલ દ્વારા પૂરતું પાણી આપવાનો નિર્ણય લીધો હતો અને તે અનુસાર પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર નર્મદા યોજનાની માળીયા બ્રાંચ, ધ્રાંગધ્રા બ્રાંચ, મોરબી બ્રાંચમાં ઢાંકીથી છેવાડના ગામો સુધી પાણી પહોંચતું નથી. જેથી ક્યાં અને શા માટે પાણીનો બગાડ અને વ્યય થઈ રહ્યો છે તેની જાણકારી મેળવવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જાતે કેનાલ સાઈટ પર જઈને તપાસ કરશે. જે માટે તેઓ આવતીકાલે 30 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે માલવણ પહોંચશે અને કેનાલના રસ્તે આગળ વધાત વધતા કેનાલના છેવાડા સુધી જશે. આ યાત્રામાં મોરબી-માળીયા વિસ્તારના ખેડૂતોને બહોળી સંખ્યામાં જોડાવવા ધારાસભ્ય દ્વારા આમંત્રણ પાઠવાયું છે.