મોરબીના ઉટબેટ શામપર ગામે ભેંસ વાડીમાં ઘુસી જતા વાડી માલિકે ભેંસના માલિકને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા મોરબી : પાડાના વાંકે.... ડામ કહેવત જેવી ઘટના મોરબીના ઉટબેટ શામપર ગામે બની હતી જેમાં ભેંસ એક વાડીમાં ઘુસી જતા વાડી માલિકે ભેંસના માલિકને થપ્પડ ઝીકી દઈ જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઉટબેટ શામપર ગામે રહેતા કાંતિભાઈ મલાભાઈ ચાવડાની ભેંસ આરોપી નટવરભાઈ ધરમશીભાઈ પરમારની વાડીમાં ઘુસી જઈ નુકશાન કરતા આરોપી નટવરભાઈએ કાંતિભાઈને ગ્રામપંચાયત પાસે ઉભા રાખી ઝઘડો કરી શરીરે મૂંઢમાર મારી ગાલ ઉપર થપ્પડ ઝીકી જાતિ પ્રત્યે અપમાનિત કરતા આ મામલે કાંતિભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.