મોરબી: ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ કાંતિભાઈ અમૃતિયા પ્રથમ વખત મોરબી પધાર્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબી આવતા પહેલા ચોટીલા ખાતે દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ મોરબીના હળવદ અને પોતાના વતન જેતપર તેમજ ભરતનગર પહોંચ્યા હતા. અંતે, તેઓ મોરબીના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા જ્યાં કાર્યકરો અને હોદ્દેદારોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત, શહેરની જુદી જુદી આઠ જગ્યાઓ પર પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સ્વાગત કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયા, જેન્તીભાઈ કવાડિયા, શહેર ભાજપ પ્રમુખ રિષિત કૈલા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.