પૂ.ભાઈશ્રીના વ્યાસાસને આયોજન : તા.11એ પોથીયાત્રા : દરરોજ સવારે 9:30 થી 1 વાગ્યા સુધી કથા, બાદમાં મહાપ્રસાદ પણ યોજાશે કથા દરમિયાન ડાયરો, પ્રવચન સહિતના કાર્યક્રમો યોજાશે મોરબી : મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આગામી તા.12થી 18 દરમિયાન ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. જેમાં પૂ. ભાઈશ્રી વ્યાસપીઠે બિરાજવાના છે. આ કથાનું વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના પ્રત્યુત્તરમાં વડાપ્રધાન મોદીએ સમગ્ર આયોજન બદલ શુભકામનાઓ પાઠવી છે. મોરબીના શક્ત શનાળા ખાતે મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ પટેલ સમાજ વાડી ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા તા.12થી 18 સપ્ટેમ્બર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા વ્યાસપીઠે બિરાજીને પોતાના શ્રીમુખેથી સવારે 9:30થી બપોરે 1:00 વાગ્યા સુધી કથા શ્રવણ કરાવશે. કથા સંપન્ન થયે દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કથા પૂર્વે તા.11ને બપોરે 3 કલાકે ઉમા ટાઉનશીપથી ભવ્ય પોથીયાત્રા નીકળશે. આ ઉપરાંત કથા દરમિયાન દરરોજ રાત્રે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં તા.12એ હરીદર્શનદાસ સ્વામીનું પ્રવચન યોજાશે. તા.14એ યોગેશદાન ગઢવી, માયાભાઈ આહીર, અનિલભાઈ વંકાણીનો ડાયરો યોજાશે. તા.16એ જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રવચન યોજાશે. તા.17એ બ્રિજરાજ ગઢવી, સાગરદાન ગઢવી અને પૂનમબેન ગોંડલીયાનો કાર્યક્રમ યોજાશે. આ કથામાં પધારવા સર્વે ભાવિકોને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.