મોરબી : હાથશાળ, હસ્તકલા કારીગરોને વૈશ્વિક પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્વરૂપે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે પાછલા ત્રણ વર્ષ દરમ્યાન આ ક્ષેત્રના કારીગરો માટે 7 કેટેગરીમાં 33 એવોર્ડની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. જેમાં મોરબીના યુવકની એક કેટેગરીમાં પ્રથમ એવોર્ડ માટે પસંદગી થતા મોરબીવાસીઓ માટે એ ગૌરવ લેવા જેવી બાબત બની રહી છે. ક્રાફટ કેટેગરીમાં વુડ આર્ટમાં સોપારીમાંથી સ્ટેચ્યુ બનાવનાર મોરબીના યુવા કલાકાર કમલેશ અમૃતલાલ નગવાડીયા (પ્રજાપતિ) પ્રથમ ક્રમાંકે પસંદગી પામ્યા છે. આ એવોર્ડ સમારંભ આવનારા દિવસોમાં આયોજિત થશે. રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા વર્ષ 2016થી 2018 સુધી કુલ ત્રણ વર્ષના કુલ 11-11 એવોર્ડ માટે હાથશાળ તેમજ હસ્તકલા કારીગરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં મોરબીના કારીગરની કલાને પણ ક્રાફટ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળતા તેઓએ મોરબી કલાજગતનું ગૌરવ વધાર્યું છે.