મોરબી : મોરબી શહેર અને જિલ્લાના હાઈવે પર ઘણા રોડની હાલત અત્યંત ખરાબ હાલત છે. રોડ પર પડી ગયેલા મસમોટા ખાડાના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિકજામમાં ફસાવું પડી રહ્યું છે. ત્યારે રવાપર-ઘુનડા રોડની હાલત પણ અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું છે.મોરબીના રવાપર-ઘુનડા રોડની હાલત ખરાબ થઈ ગઈ છે. રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે અવાર નવાર ટ્રાફિકજામની દ્રશ્યો જોવા મળે છે. બોની પાર્કના ખુણા પાસે પાઈપલાઈન નાખ્યા પછી રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે ખાડાની સ્થિતિ જેમની તેમ જ છે. રવાપર વિકાસ સમિતિના અશોકભાઈ પટેલ, રવિભાઈ પટેલ, નિસર્ગભાઈ પટેલ અને સમિતિના 250 જેટલા સભ્યોનું કહેવું છે કે, કોઈ નેતાઓ આવે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ફટાફટ વિકાસના કામો કરી નાખવામાં આવે છે પરંતુ લોકો માટે કોઈ કામ કરવામાં આવતું નથી. આ રોડ પરથી પસાર થતા વાહનચાલકોના કમરના હાડકાં તૂટી જાય તેવો ખરાબ રોડ છે. આ ઉપરાંત પેટ્રોલનો વ્યય થઈ રહ્યો છે. અડધો કિલોમીટરનું અંતર કાપતા 30 થી 40 મિનિટ જેટલો સમય લાગે છે. આમ ખરાબ રોડના કારણે લોકોનું આરોગ્ય, સમય અને નાણાનો વ્યય થઈ રહ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે રવાપર-ઘુનડા રોડની હાલત સુધારવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.