'આ વખતે વેકેશનમાં મોબાઈલ નહિ પણ મિશન ચાલશે' ની ટેગલાઈન સાથે યોજાયેલી અનોખી ગેમમાં યુવાધને ઉત્સાહભેર ભાગ લીધો: વિજેતા ટીમોનું શાશ્વત હોસ્પિટલ ખાતે બહુમાન કરાયુંમોરબી : આજના ડિજિટલ યુગમાં જ્યારે યુવા પેઢી મોબાઈલની દુનિયામાં કેદ થઈ રહી છે, ત્યારે યુવાધનને ટેકનોલોજીના વળગણમાંથી બહાર લાવવા માટે એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબીના યુવાનો અને યુવતીઓને અસલી દુનિયા, ટીમવર્ક અને મોરબીના ભવ્ય વારસાનો પરિચય કરાવવા માટે ‘મિશન મોરબી’ મિસ્ટ્રી ગેમનું એક અનોખું અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.'આ વખતે વેકેશનમાં મોબાઈલ નહિ પણ મિશન ચાલશે' ની ખાસ ટેગલાઈન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબીના સ્થાનિક યુવાનોએ અદ્ભુત અને અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો હતો. આ રમત પાછળનો મુખ્ય હેતુ યુવાનોને સ્ક્રીન ટાઈમથી દૂર રાખી શારીરિક અને માનસિક રીતે સક્રિય કરવાનો હતો, જેમાં સંસ્થાને 100% સફળતા મળી છે.આ સ્પર્ધાના અંતે શાશ્વત હોસ્પિટલ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઉપસ્થિત વિવિધ મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં વિજેતા બનેલી ટીમોનું ભવ્ય બહુમાન કરીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌરવભાઈ જાની અને તેમની ટીમ દ્વારા યુવાધનને સન્માર્ગે વાળતા અને શહેરનું ગૌરવ વધારતા આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. સંસ્થાની આ સકારાત્મક પ્રવૃત્તિને આખા શહેરમાંથી વ્યાપક આવકાર મળી રહ્યો છે.#Morbi #MissionMorbi #KalyanTrust #YouthEmpowerment #MorbiUpdates #MysteryGame #DigitalDetox