મોરબી : આજના આધુનિક યુગમાં કુટુંબ ભાવના વિસરાઈ રહી છે અને સંતાનો માતા - પિતાને ત્રાસ આપવામાં કસર નથી છોડતા ત્યારે મોરબી શહેરના ઘુંટુ ગામે રામનગરી વિસ્તારમાં રહેતા મહિલાને એકના એક પુત્રએ ગંદી ગાળો આપી હવે જીવવા નહિ દઉં કા હું મારી નાખીશ કા બીજા મારફતે મરાવી નાખીશ કહી છરી બતાવી ધમકી આપતા બનાવ અંગે માતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુંટુ ગામે રામનગરી વિસ્તારમાં રહેતા સુમિત્રાબેન પ્રેમજીભાઈ ગોહિલ ઉ.47 નામના મહિલાએ પોતાના જ સગા પુત્ર રોહિત પ્રેમજીભાઈ ગોહિલ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.19ના રોજ રાત્રીના સમયે તેઓ તેમના જેઠના ઘેરથી પરત પોતાના ઘેર આવ્યા ત્યારે ઘેર તાળું મારેલ હોય બહાર બેઠા હતા.આ સમયે તેમનો પુત્ર રોહિત આવ્યો હતો અને કહ્યું હતું કે, હવે તમને જીવવા નહિ દઉં, હું નહિ મારુ તો બીજા દ્વારા મરાવી નાખીશ કહી ગાળો આપવા લાગતા પાડોશીઓ આવી જતા રોહિત જતો રહ્યો હતો.બાદમાં સુમિત્રાબેન તેમના પિતાના ઘેર જતા રહ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ મથકમાં આવી પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.