નેશનલ હાઇવે પર શક્તિ ચેમ્બર પાસે ત્રણ દિવસથી પડેલા માટીના ઢગલા અડધો રોડ રોકી લેતા હોવા છતાં કોઈ કાર્યવાહી નહિ મોરબી : મોરબી હાઇવે ઉપર માતેલા સાંઢની માફક દોડતા નંબર વગરના કાળમુખા ઓવરલોડ ડમ્પર ચાલકો બેફામ બની મન પડે ત્યાં માટીના ઢગલા ખડકી રહ્યા છે. જેમાં નેશનલ હાઇવે પર શક્તિ ચેમ્બર પાસે ત્રણ દિવસથી માટીના ઢગલા અડધો રોડ રોકી લેતા હોવા છતાં કોઈ કાર્યવાહી નહિ કરાતા વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મોરબી નેશનલ હાઇવે ઉપર નંબર વગરના ડમ્પર ચાલકો નીતિ નિયમોને નેવે મૂકી ઓવરલોડ બનીને દોડી રહ્યા હોય અને ઉપરથી તંત્રથી બચવા ઓવરલોડ ડમ્પરમાંથી રસ્તા વચ્ચે જ માટીનો ઢગલો ખડકી દેતા હોવાના બનાવ સતત વધી રહ્યા છે. જેમાં ત્રણ દિવસ પહેલા કોઈ ડમ્પર ચાલકે આવી રીતે જ મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર પાસે રોડની વચ્ચોવચ્ચ મોટો માટીનો ઢગલો ખડકી દીધો હતો. છેલ્લા ત્રણ દિવસથી આ માટીનો ઢગલો રોડની વચ્ચે પડ્યો હોય તેમજ અડધો રોડ રોકી લેતો હોવાથી વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. નંબર વગરના ડમ્પરોનો આટલો ત્રાસ છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. જોવાની ખૂબી એ છે કે હાઇવે ઉપર કરોડોનો ટોલ ટેક્સ વસૂલતી હાઇવે ઓથોરિટી પણ આવા માટીના ઢગલા રોડની વચ્ચે પડ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા વાહન ચાલકોમાં રોષ વ્યાપી ગયો છે અને માટીના ઢગલાના કારણે અવાર નવાર અકસ્માત સર્જાતા હોવા છતાં આરટીઓ તંત્ર મૌન ધારણ કરીને બેઠું હોય આશ્ચર્ય સર્જાયું છે.