સુપર માર્કેટ, છત્રાલય રોડ, જીઆઇડીસી વિસ્તારમાં પોલીસના સીસીટીવી કેમેરા મુકવા અનુરોધ મોરબી : મોરબીની સુપર માર્કેટમાં અસામાજિક તત્વો દ્વારા વિદ્યાર્થીનીઓની હેરાનગતિ બાબતે અંગત રસ દાખવીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ અસામાજિક તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરાવવા બદલ કડવા પાટીદાર કેળવણી મંડળ મોરબી દ્વારા કાંતિભાઈ અમૃતિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબીના પ્રમુખ બેચરભાઈ હોથીએ જણાવ્યું છે કે, મોરબીમાં બહારગામથી અભ્યાસ કરતી કન્યાઓને અસામાજિક તત્વો હેરાન ન કરે તે માટે સુપર માર્કેટની રૂબરૂ મુલાકાત લઈને દુકાનદારોને સફાઈ થતાં ચોકીદાર બાબતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પ્રેરણા આપી છે જે અભિનંદનને પાત્ર છે. સાથે જ સુપર માર્કેટ, નવા બસ સ્ટેન્ડ, કન્યા છાત્રાલય રોડ, જીઆઇડીસી રોડના સીસીટીવી કેમેરાનું લાઈવ પ્રસારણ પોલીસ સ્ટેશનમાં થઈ શકે એવી વ્યવસ્થા થાય તો આ આવી અસામાજિક પ્રવૃત્તિઓ નાથવામાં મદદરૂપ થઈ શકે તેવો અનુરોધ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આ કામગીરી બદલ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ તથા સર્વે ટ્રસ્ટીઓ ગૌરવની લાગણી અનુભવે છે તેમ અંતમાં જણાવ્યું હતું.