સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મસ્જિદમાં 4 વ્યક્તિઓએ નમાઝ અદા કરીને ખુદાની બંદગી કરી મોરબી : મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા લોકડાઉનની ગાઈડલાઈન મુજબ આજે ઘરે જ રમજાન ઇદની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે સરકારની ગાઈડલાઈન મુજબ મસ્જિદમાં ચાર વ્યક્તિઓએ માસ્ક અને સામાજિક અંતર રાખીને નમાઝ અદા કરી ખુદાની બંદગી કરી હતી. એ સિવાયના મોટાભાગના લોકોએ ઘરોમાં જ નમાઝ અદા કરી હતી. અને કોરોનાના મહામારીમાંથી સમગ્ર વિશ્વને ઉગારી લેવા અલ્લાહ સમક્ષ દુઆઓ માંગી હતી. મોરબી મુસ્લિમ સમાજના અગ્રણી સીદીકમિયાબાપુએ જણાવ્યું હતું કે, કોરોનાને લઈને હાલમાં ચાલતા ચોથા તબક્કાના લોકડાઉનમાં ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર રમઝાન ઇદમાં ચાર વ્યક્તિઓને મસ્જિદમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવી અને માસ્ક પહેરીને નમાઝ અદા કરવાની મંજુરી આપવામાં આવી હતી. તેથી આજે મોરબીમાં રમજાન ઇદ નિમિતે મુસ્લિમ સમાજ દ્વારા સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચાર વ્યક્તિઓએ માસ્ક પહેરી અને સોશ્યલ ડિસન્ટન્સ જાળવીને મસ્જિદમાં નમાઝ અદા કરી હતી. જોકે લોકડાઉનને કારણે ઇદગાહ મસ્જિદમાં નમાઝ અદા થઈ શકી ન હતી. મોરબી જિલ્લામાં મોટાભાગના મુસ્લિમ લોકોએ ઘરે રહીને રમજાન ઇદની તમામ નમાઝ ઘરે જ અદા કરી હતી. જોકે રમજાન ઇદને લઈને મુસ્લિમ સમાજ દ્વારા છ વિસ્તારોમાં 1100થી વધુ જરૂરિયાત મંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના ધર્મગુરુએ અગાઉ રમજાન ઇદની નમાઝ અદા કરવા માટે સરકારની ગાઈડ લાઈનને અનુસરવાની અપીલ કરતા સરકારે આપેલી મજૂરી પ્રમાણે ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી.