મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે 15મી ઓગસ્ટના રોજ ઠેર ઠેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા પંચાયત ખાતે પણ 77મો સ્વતંત્રતા પર્વ હર્ષભેર ઉજવાયો હતો. આ ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયતના પટાંગણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા, કારોબારી ચેરમેન જયંતીલાલ પડસુંબિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ સહિત જિલ્લા પંચાયતના તમામ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓ, જવાહર પ્રાથમિક શાળા, પોટરી પ્રાથમિક શાળા, લાયન્સનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકોની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીતનું ગાન કરી વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરા દ્વારા શહીદો તેમજ ક્રાંતિવીરોને યાદ કરી દેશભક્તિ ઉજાગર કરતું પ્રેરક તેમજ હૃદય સ્પર્શી વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી. અંબારિયાના માર્ગદર્શન હેઠળ ધ્વજ વંદન વિધિનું લાયઝનીંગ કલ્યાણ ગ્રામ પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ પરમાર દ્વારા તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જવાહર પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ઉજાગર કરતાં વિવિધ સાંસ્કૃતિક તેમજ દેશભક્તિ ગીતો રજૂ કરી સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. પોટરી પ્રાથમિક શાળામાં ધોરણ- 6મા અભ્યાસ કરતી વિદ્યાર્થિની રાધિકા સિચંદા દ્વારા સ્વચ્છતાં વિશેના પોતાના વક્તવ્યમાં સ્વચ્છતા વિશેની સરકારી યોજનાઓ અને દરેક નાગરિકની પોતાની નૈતિક ફરજની જાણકારી આપી હતી. ઉપસ્થિત તમામ લોકોને રાધિકાના વક્તવ્ય તેમજ સરકારી શાળાના બાળકો દ્વારા રજૂ થયેલી તમામ કૃતિઓએ આનંદ વિભોર કરી દીધા હતા. જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા સ્વચ્છતાં અંગેનું વક્તવ્ય રજુ કરનાર રાધિકાના વિશેષ સન્માન સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમખ સહિત તમામ પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓનું શાબ્દિક તેમજ પ્રોત્સાહક ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.