Morbi: મોરબી શહેર હવે ટૂંક સમયમાં મહાનગરપાલિકા બનશે પણ સ્થાનિક રહેવાસીઓને રખડતા પશુઓનાં ત્રાસમાંથી મુક્તિ મળે એમ લાગતુ નથી. નગરપાલિકા આ ક્ષેત્રે સંપુર્ણ નિષ્ફળ ગઇ છે અને રોજેરોજ અનેક લોકો આ રખડતા પશુઓનો શિકાર બને છે. પત્રકાર મિલન નાનકને આખલા યુદ્ધે ફંગોળી દીધા હોવાની ઘટના સામે આવી છે. મિલનભાઇને રખડતા ઢોરે ફંગોળતા હાથ-પગમાં મૂઢ ઇજા થઇ છે.થોડા મહિનાઓ પહેલા મોરબી નગરપાલિકાએ રખડતા ઢોરોને પકડવાની કામગિરી કરી હતી અને આશરે 500 જેટલા રખડતા ઢોરને ડબ્બે પુરી પંચાસર રોડ ઉપર પાલિકાની ફાજલ જમીનમાં નંદીઘર બનાવીને રાખ્યા હતા. પણ ઝૂલતાપુલની દુર્ઘટનામાં નગરપાલિકા બરખાસ્ત થતા વહિવટદારનું સાશન ચાલે છે અને. સુત્રો જણાવે છે કે, પાલિકાનું સ્વભંડોળ ભેદી રીતે ગાયબ છે અને એટલે નંદીઘરનો નિભાવ થઈ શકે એમ ન હોય જે તે વખતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આ 500 જેટલા નંદીઓને પાંજરાપોળ ખસેડી દીધાનું જાહેર કર્યું હતું.અત્યારે સ્થિતિ એવી છે કે, રસ્તા પર સામાન્ય માણસો નિકળતા પણ વિચારે છે અને જ્યારે ઘરેથી કામ પર નીકળે છે ત્યારે દરેક માણસને ચિંતા થાય છે કે, રસ્તા પર આ રખડતા ઢોરથી કેમ જિંદગી બચાવવી. ત્યારે મોરબીમાં રખડતા ઢોર બાબતે તંત્ર તાકીદે યોગ્ય પગલાં ભરે તેવી લોક માંગ પ્રબળ બની છે.