મોરબી : મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટના કેસમાં હવે નવો વણાંક આવ્યો છે. ઝૂલતાપુલનું રીનોવેશન કામ કરનાર અને મુખ્ય જવાબદાર અને જેનું હજુ એફઆઇઆરમાં નામ નથી આવ્યું તે ઓરવા ગ્રુપના સુપ્રીમો જયસુખ પટેલે મોરબીની સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. આ જામીન અરજીની કાલે સુનાવણી હાથ ધરનાર છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત 30 ઓક્ટોબરે મોરબીના ઝૂલતાપૂલ તૂટી જવાની દુર્ઘટનામાં 135 વ્યક્તિઓનો ભોગ લેવાયા બાદ નાની માછલીને પોલીસે પકડી અને મોટા મગરમચ્છો સામે કોઈ કાર્યવાહી ન કરી હોવા બાબતે ભારે આક્ષેપ સાથે લોકોમાં જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. આ દુર્ઘટનામાં મુખ્ય જવાબદાર અને પુલનું રીનોવેશન કામ કરનાર ઓરેવા ગ્રુપના માલિક જ્યંસુખ પટેલ ઘટના બાદ પરિવાર સાથે ભૂગર્ભ ઉતરી ગયા હોય પણ કાયદાકીય તલવાર તેમના માથે લટકતી હોય થોડા સમય અગાઉ આ દુર્ઘટના મામલે હાઇકોર્ટે પણ ઓરવે ગ્રુપને નોટિસ આપી હાજર રહેવા ફરમાન કર્યું હતું. ત્યારે ભલે એફઆઈઆરમાં નામ ન હોય પણ મુખ્ય જવાબદાર ગણાતા હોય તેથી કાયદાનો સિકજો કસાતાં ઓરેવા ગ્રુપના માલિક જ્યંસુખ પટેલે ધરપકડથી બચવા મોરબીની સેસેન્સ કોર્ટમાં જામીન અરજી કરી હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને આ જામીન અરજીની આવતીકાલ શનિવારે સુનાવણી હાથ ધરાશે. ત્યારે જ્યંસુખ પટેલની જામીન અરજી પ્રત્યે કોર્ટ કેવું વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડરાયેલી છે.