પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને ઉમા સંસ્કાર ધામ મહિલા ગ્રુપ દ્વારા 2 દિવસીય 'સંસ્કારી સ્ત્રી - સુસંસ્કૃત સમાજ' કાર્યક્રમનું આયોજન : વક્તાઓએ પથ દર્શન કરાવ્યુંમોરબી : હાલના આધુનિક યુગમાં મહિલાઓ સશક્ત બની છે અને દીકરીઓ સરપંચથી લઈને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચી છે. ત્યારે યુવતીઓ અને મહિલાઓને ઘણા પડકારોનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને યુવતીઓને લોભામણી વાતો કરી અને ગિફ્ટની લાલચ આપીને ફસાવવામાં આવતી હોવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે મોરબીની જાગૃત મહિલા સંસ્થાઓ દ્વારા યુવતીઓ અને સમાજને જાગૃત કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબીના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને ઉમા સંસ્કાર ધામ મહિલા ગ્રુપ દ્વારા સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય 'સંસ્કારી સ્ત્રી - સુસંસ્કૃત સમાજ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં દીકરીઓ સાથે થતા અન્યાયને અટકાવવા, યુવતીઓને લોભામણી સ્કીમમાં ફસાતી બચાવવા અને દીકરીઓ આપણી સંસ્કૃતિ તરફ વળીને તેનું સાચું મૂલ્ય સમજે તે હતો. આ કાર્યક્રમમાં દીકરીઓમાં સંસ્કારનું સિંચન કરવા માટે પ્રેરક વક્તા તરીકે અંકિતાબેન મુલાણી અને બ્રહ્માકુમારી ડો. દામિની દીદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલાઓ અને દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી, તેમજ સમાજના શ્રેષ્ઠીઓએ પણ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો.કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત પ્રેરક વક્તા અંકિતાબેન મુલાણીએ દીકરીઓને સંદેશો આપતા જણાવ્યું હતું કે, માતા-પિતા જે પણ કહે છે તે સમજી-વિચારીને કહેતા હોય છે અને સંતાનો માટે હંમેશા સારું જ ઈચ્છે છે. ભૂતકાળમાં દીકરીઓએ ક્રૂર અંગ્રેજોને પણ ધૂળ ચટાવીને સમાજમાં જાગૃતિ લાવી હતી. પિતાની લાજ રાખવા માટે દીકરીઓએ ડાકુઓ અને બહારવટિયાઓને પણ મોતને ઘાટ ઉતારી દીધા હોવાના દાખલા છે. પરંતુ, હાલમાં કેટલીક દીકરીઓ પિતાનું સન્માન જાળવી શકતી નથી અને ક્ષણભરની ગિફ્ટ કે લોભામણી વાતોથી મોહિત થઈ પોતાનું જીવન બરબાદ કરી નાખે છે. દીકરીઓએ જાગૃત બની પોતાના અમૂલ્ય જીવન અંગે વિચાર કરી માતા-પિતાના સંસ્કારોનું સિંચન કરવું જરૂરી છે. પિતાનું ખરાબ બોલનારાઓને દીકરીઓએ જડબાતોડ જવાબ આપવો જોઈએ અને ફિલ્મી દેખાતા છોકરાઓ પાછળ દોડીને જીવન બરબાદ કરવાને બદલે માતા-પિતાના માર્ગદર્શન મુજબ યોગ્ય નિર્ણય લેવો જોઈએ.આ ઉપરાંત બ્રહ્માકુમારી ડો. દામિની દીદીએ આધ્યાત્મનું જીવનમાં મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, ઘરના સંસ્કાર કદી ના ભૂલવા જોઈએ. આપણી સંસ્કૃતિ આપણને ખુમારી સાથે જીવતા શીખવે છે. જેમ એક દીવો પ્રકાશ ફેલાવે છે તેમ દીકરી પણ ઘરનો દીવો છે, જો કોઈ એ દીવાને ઓલવવાનો પ્રયાસ કરે તો દીકરીઓએ જ્વાળા બનીને આવા દૂષણોનો નાશ કરવો જરૂરી છે. આધુનિક યુગમાં બહારથી સારા દેખાતા માણસોની અંદર રહેલા રાક્ષસને ઓળખવા જરૂરી છે. દીકરીના અણધાર્યા પગલાંથી માતા-પિતા સમાજ સામે શર્મશાર થાય છે, છતાં પણ તેઓ રાક્ષસી તત્વો સામે લડત લડી દીકરીનું જીવન બચાવવાનો પ્રયાસ કરે છે. તેમણે માતા-પિતાને પણ વિનંતી કરી હતી કે દીકરીઓને નાનપણથી જ ધર્મ અને સંસ્કૃતિ વિશે સમજ આપવી જોઈએ અને હિંમતભેર સમસ્યાઓનો સામનો કરવા માટેના ઉચ્ચ સંસ્કાર પૂરા પાડવા જોઈએ.#Morbi #MorbiUpdate #WomenEmpowerment #Sanskruti #AwarenessProgram #PatidarSamaj #MorbiNews #Daughters #SocialAwareness #GujaratNews