ધાર્મિક સંગઠનો, ડાયરાના કલાકારો અને કથાકારો ખેડૂતોના સમર્થનમાં ન આવતા તેમની ઉપર કટાક્ષ : 15 જૂને ટ્રેક્ટરો લઈને ગાંધીનગર ઉમટી પડવા ખેડૂતોને હાંકલમોરબી : જેતપર ગામે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા પ્રતીક ઉપવાસની છાવણીની આજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલિયા, મહેશ રાજકોટિયા, પંકજ રાણસરિયા, મનોજ પનારા સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી. ત્યારે ખેડૂતોને સંબોધિત કરતા જીજ્ઞેશ મેવાણીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉદ્યોગપતિઓની તરફેણ અને ખેડૂતોની થતી અવગણના મુદ્દે સરકારને આડે હાથે લીધી હતી. ઉદ્યોગપતિઓને મબલખ કમાણી, ખેડૂતો અને મજૂરોનું શોષણજીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પાસે 7.5 લાખ કરોડની સંપત્તિ છે. બે ગુજરાતીઓ પાસે 15 લાખ કરોડ છે, જ્યારે બીજી બાજુ આપણા 35 ટકા બાળકો કુપોષિત છે. ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા અને શ્રમિકોને પૂરતું વેતન નથી મળતું. આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથામાં આશા વર્કર, આંગણવાડીની બહેનો, સફાઈ કામદાર અને પંચાયતના કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. તેમણે સરકારી હોસ્પિટલોની દુર્દશા વર્ણવતા કહ્યું હતું કે તાલુકાની હોસ્પિટલોમાં MRI કે સિટી સ્કેન તો દૂર, લોહીના પરીક્ષણ માટેના મશીનો પણ ઉપલબ્ધ નથી.મોંઘવારી, બેરોજગારી અને સરકારની નીતિઓ પર નિશાનમોંઘવારી મુદ્દે પ્રહાર કરતા તેમણે કહ્યું કે ગેસનો બાટલો જે 400 રૂપિયામાં મળતો હતો તે આજે 1000 રૂપિયાને પાર થઈ ગયો છે. પેટ્રોલ, ડીઝલ, ખાદ્યતેલથી લઈને બાળકોનું ભણતર, આરોગ્ય અને ખેતીના સાધનો (ખાતર, દવા, બિયારણ) મોંઘા થઈ ગયા છે. 2014 માં ખેડૂતોની જે આવક હતી તે વધી નથી, પરંતુ ખેતીનો ખર્ચ 4 ગણો વધી ગયો છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે દુનિયામાં એવો કોઈ માણસ નહીં હોય જેણે સરદાર પટેલનું નામ ભૂંસીને સ્ટેડિયમ પર પોતાનું નામ લગાવી દીધું હોય. આ સાથે તેમણે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.ધર્મની રાજનીતિનો વિરોધજીગ્નેશ મેવાણીએ ખેડૂતોને સવાલ કર્યો હતો કે શું આ આંદોલનમાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ કે આરએસએસના લોકો સમર્થનમાં આવ્યા છે? તેમણે કહ્યું કે આ લોકો માત્ર હિન્દુ-મુસ્લિમના નામે રાજનીતિ કરે છે. અસલી મુદ્દાઓ મોંઘવારી અને રોજગારી છે. કબીર અને રવિદાસ જેવા સંતોના ઉદાહરણો આપીને તેમણે કહ્યું કે સાચો ધર્મ માણસાઈ અને પીડિતોની પડખે ઊભા રહેવામાં છે, ભાગલા પાડવામાં નહીં. આ ઉપરાંત તેઓએ ડાયરા અને કથાના કલાકારો સામે પણ કટાક્ષ કર્યો હતો કે તેઓ પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા નહિ. 15 જૂને ટ્રેકટર લઈ ગાંધીનગર ઉમટી પડવા હાંકલઅંતમાં જીગ્નેશ મેવાણીએ ખેડૂતોને વીજળીના થાંભલા નાખવાની કામગીરી અટકાવવા અને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી પીછેહઠ ન કરવા અપીલ કરી હતી. તેમણે 15 જૂનના રોજ તમામ લોકોને, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને ટ્રેક્ટર લઈને ગાંધીનગર પહોંચવા આહ્વાન કર્યું છે. 'લડેંગે, જીતેંગે' ના નારા સાથે તેમણે આ લડતને તેજ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.#MorbiUpdate #Jetpar #JigneshMevani #FarmersProtest #GujaratPolitics #MorbiNews #FarmersRights #GandhinagarMarch #Inflation #GujaratFarmers