મોરબીના સામાકાંઠે વરિયાનગર રહેતા મકવાણા પરિવારના બે બાળકો સહિત ત્રણના મોતથી કાળો કલ્પાંત સર્જાયો મોરબી : મોરબીની ઝૂલતાપૂલ તૂટી પડવાની ઘટનામાં અનેક પરિવારનો ભોગ લેવાયો છે. જેમાં મોરબીના સામાકાંઠે વરિયાનગર રહેતા મકવાણા પરિવારના એકી સાથે બે બાળકો સહિત ત્રણના મોતથી કાળો કલ્પાંત સર્જાયો છે અને પિતા-પુત્ર અને ભત્રીજાની એકીસાથે અર્થી ઉઠતા પરિવાર હિબકે ચડ્યો છે. મોરબીના સોઓરડી વિસ્તાર અંદર આવેલ વરિયાનગર શેરી-11માં રહેતા મહેશભાઈ વશરામભાઈ મકવાણા ઉ.વ.40 તેના પુત્ર યુવરાજ મહેશભાઈ મકવાણા ઉ.વ.12 તેમજ ભત્રીજા મકવાણા ગિરીશ જગદીશભાઈ ઉ.વ.10ને ગઈકાલે બાઇકમાં બેસાડી ઝૂલતાપૂલે ફરવા ગયા હતા. ત્યારે સાંજે અચાનક ઝૂલતાપૂલ તૂટી પડતા આ મહેશભાઈ વશરામભાઈ મકવાણા ઉ.વ.40 તેના પુત્ર યુવરાજ મહેશભાઈ મકવાણા ઉ.વ.12 તેમજ ભત્રીજા મકવાણા ગિરીશ જગદીશભાઈના નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. રાત્રે પુલ તૂટતાની ખબર પડતાં જ મકવાણા પરિવાર હોસ્પિટલમાં અને ઘટનાસ્થળે દોડી ગયો હતો જ્યાં વારાફરતી ત્રણેયની લાશ મળતા મકવાણા પરિવાર ઉપર દુઃખનું આભ તૂટી પડ્યું હતું આજે સવારે પિતા-પુત્ર અને ભત્રીજાની એકીસાથે સ્મશાન યાત્રા નીકળતા પરિવાર અને સગા સ્નેહીઓએ હૈયાફાટ આક્રંદ કરી મુક્તા આખો વિસ્તારમાં શોકમગ્ન બની ગયો હતો.