અકસ્માતની વિચિત્ર ઘટનામાં રોજગારીને બદલે મૃત્યુ મળ્યું વાંકાનેર : ઝારખંડથી રોજી રોટી કમાવવા વાંકાનેર આવી રહેલ શ્રમિક ભૂલથી વાંકાનેર રેલવે સ્ટેશનને બદલે સિંધાવદર રેલવે સ્ટેશને ઉતરી ગયા બાદ નદી કાંઠે જતા પાણીમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના સિંધાવદરથી પાંચ દ્વારકા રોડ જતા રસ્તે આવેલ આસો નદીમાં ડૂબી જતાં સોવનભાઈ લેબેયાભાઈ બિરુવા રહે. કેન્દપોસી, ઝારખંડ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેરના સરતાનપર રોડ, સેકોલ સીરામીક ખાતે રહેતા મૃતકના ભાઈ રાજીવભાઇ લેબેયાભાઇ બીરુવાએ પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું કે, મૃતક સોવનભાઈ રોજગારી માટે પહેલી વખત ગુજરાત આવતો હતો ત્યારે ભૂલથી વાંકાનેર ને બદલે સિંધાવદર રેલવે સ્ટેશને ઉતરી ગયો હતો જ્યાંથી કોઈપણ રીતે પાંચ દ્વારકા રોડ ઉપર જતા આસો નદીમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.