જ્યાં બિનરાજકીય રીતે ખેડૂતોના હકની વાત હશે ત્યાં સંપૂર્ણ ટેકો અપાશે: ખેડૂત આગેવાનોની સ્પષ્ટતામોરબી : સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાઓનો અંત લાવતા ગુજરાત ખેડૂત છાવણી (જેતપર) ના આગેવાનોએ પડધરી તાલુકામાં યોજાઇ રહેલા ખેડૂતોના પ્રતીક ઉપવાસ કાર્યક્રમને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. મીડિયા સમક્ષ વાત કરતા આગેવાનોએ ખેડૂતોની અતૂટ એકતા અને બિનરાજકીય સંગઠનના મહત્વ પર ભાર મૂક્યો હતો.જેતપરના ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને કેટલાક ન્યૂઝ માધ્યમો થકી એવો મેસેજ ફેલાવવામાં આવી રહ્યો હતો કે પડધરી તાલુકામાં યોજાઇ રહેલા પ્રતીક ઉપવાસની છાવણીને ગુજરાત ખેડૂત છાવણી (જેતપર) નું સમર્થન નથી. આગેવાનોએ આ વાતને સદંતર ખોટી ગણાવીને રદિયો આપ્યો છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતના હિતલક્ષી કોઈ પણ કાર્યક્રમ હશે, ત્યાં ગુજરાત ખેડૂત છાવણી હંમેશા મોખરે રહેશે. આવનારા સમયમાં પણ કોઈ પણ જિલ્લા કે તાલુકામાં આવા ખેડૂતલક્ષી કાર્યક્રમો થશે, તો તેમાં જેતપર છાવણીનું સંપૂર્ણ પણે સમર્થન રહેશે. આગેવાનોએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈ મંચ બિનરાજકીય હોય છે, ત્યારે દરેક વિચારધારા ધરાવતો ખેડૂત પોતાની જાતને સુરક્ષિત અનુભવે છે અને તેનાથી ખેડૂતોની એકતા વધુ મજબૂત બને છે. જ્યાં બિનરાજકીય રીતે ખેડૂતના હકની વાત હશે ત્યાં તેઓ હંમેશા ખભેખભો મિલાવીને સાથે ઉભા રહેશે.#MorbiUpdate #GujaratKhedutChhavni #FarmersProtest #Jetpar #Paddhari #FarmersUnity #MorbiNews #GujaratFarmers