ડમી ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈ સતા પલટા સુધી સીધી જ દોરવણી છતાં પાર્ટી લાઈનમાં : કોઈ આંગળી પણ ન ચીંધી શકે તેવી રાજકીય ચાલ બગાવતથી જિલ્લા ભાજપ આકરે પાણીએ : વ્હીપનો અનાદર કરનારા સભ્યો અંગે પ્રદેશને રિપોર્ટ કરાશે વાંકાનેર : વાંકાનેર તાલુકામાં ભાજપનો પર્યાય ગણાતા એકલવીર જીતુ સોમાણી સામે મોરબી જિલ્લા ભાજપના ગજગ્રાહને કારણે આજે વર્ચસ્વની લડાઈમાં ભાજપને જીતેલી બાજી હારવી પડી છે તો સામેપક્ષે રાજકીય ચાણક્ય જીતુ સોમાણી વધુ એક મેદાન મારી ગયા છે અને બધો જ રાજકીય ખેલ તેમના ઈશારે જ થયો હોવા છતાં પણ ભાજપ તેમની સામે આંગળી પણ ચીંધી શકે તેમ નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ દ્વારા સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારો અને 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નેતાઓને ટિકિટ ન આપવા નિયમ બનાવ્યો હોવા છતાં આ નિયમનો પાર્ટીલાઇનમાં રહીને જ જીતુ સોમાણીએ ભંગ કરી વાંકાનેર નગર પાલિકાની ચૂંટણીમાં ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું અને કાયદેસરના ઉમેદવારનું ફોર્મ ટેક્નિકલ કારણોસર રદ થતા જીતુ સોમાણી આપોઆપ ઉમેદવાર બની ગયા હતા અને લોક્ચાહનાને કારણે વિજેતા પણ બન્યા હતા. બીજી તરફ તેમની ઉમેદવારી અને જીત બાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા પાર્ટી ગાઈડલાઇનના ભંગ બદલ નોટિસ આપવામાં આવતા વાંકાનેરમાં ભાજપની આંતરિક લડાઈ શરૂ થઇ હતી અને જીતુ સોમાણીએ જિલ્લા ભાજપ અધ્યક્ષને પત્ર પાઠવી સાંસદ મોહનભાઇ કુંડારીયા વિરુદ્ધ પણ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા અને વાંકાનેર ભાજપ તેમજ મોરબી જિલ્લા ભાજપ વચ્ચેની ખાઈ વધુ ગહેરી બનતા નવાજૂનીનાં સંકેત મળ્યા હતા. દરમિયાન વાંકાનેર નગરપાલિકામાં કુલ 28 બેઠકો પૈકી 24 બેઠક ઉપર ભાજપની જીત થતા સ્પષ્ટ જનાદેશ ભાજપને મળ્યો હતો પરંતુ મોટામાથાઓની અહમની લડાઈમાં અંતે તો ભાજપની છબીને ઠેસ પહોંચવાની સાથે ભાજપને જીતેલી પાલિકા ગુમાવવી પડી છે.આશ્ચર્ય તો એ વાતનું છે કે ગત ટર્મમાં મોરબી જિલ્લામાં પાટીદાર અનામત ઇફેક્ટ વચ્ચે સર્વત્ર કોંગ્રેસનો દબદબો હતો ત્યારે પણ વાંકાનેર પાલિકામાં ભાજપ બહુમતિ સાથે સતા ઉપર આવ્યું હતું અને આ વખતે એથી તદ્દન વિપરીત સર્વત્ર ભાજપ-ભાજપ વચ્ચે ભાજપની જીત છતાં ભાજપની હાર થવા પામી છે. દરમિયાન વાંકાનેર નગરપાલિકામાં ભાજપના વ્હીપનો અનાદર થતા આ ગંભીર ઘટનાક્રમની આકરી નોંધ લેવામાં આવી હોવાનું જણાવી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાએ કોઈનું પણ નામ લીધા વગર જ વાંકાનેરમાં એકચક્રી શાસન ચાલતું હોય આજના સમગ્ર ઘટનાક્રમનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો હોવાનું અને આ મામલે પ્રદેશને રિપોર્ટ કરી જવાબદાર લોકો સામે કડક પગલાં ભરવામાં આવનાર હોવાનું તેમને ઉમેર્યું હતું. સૌથી અગત્યની બાબત તો એ છે કે વાંકાનેર તાલુકામાં ભાજપનો પર્યાય બનેલા જીતુભાઇ સોમાણીની ઇચ્છાશક્તિ વગર પાલિકામાં સત્તાપલટો શક્ય જ ન હોવાનું તમામ લોકો માને છે તેમ છતાં જીતુભાઇ સામે કોઈ આંગળી પણ ચીંધી શકે તેમ નથી કારણ કે રાજીનામાં ધરવામાં પણ તેઓ ક્યાંય સામેલ થયા ન હતા અને આજે પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી સમયે પણ તેઓએ પાર્ટીલાઇનમાં જ રહી જિલ્લા ભાજપે આપેલા મેન્ડેડ મુજબ પક્ષના આદેશ મુજબ જ મતદાનમાં ભાજપ તરફી ઉમેદવારોનો સાથ આપ્યો હતો. આ સંજોગોમા એક સવાલ એ પણ ઉભો થાય છે વાંકાનેરનાં મતદારો છેલ્લા 25 વર્ષ થી ભાજપને સતા પર બેસાડે છે અને આ ચુંટણીમાં પણ ખોબલે ખોબલે ભાજપને જ મત આપી સ્પષ્ટ બહુમતી આપી હતી તેમ છતાં આંતરિક ગજગ્રાહને કારણે અપક્ષ શાસન આવ્યું ત્યારે શું મતદારોનાં કિમતી મતની કઈ કિંમત નથી? ભાજપના ઉચ્ચ મોવડીઓએ પણ મતદારોએ ભાજપ પર મુકેલ વિશ્વાસની એકંદરે અવગણના કરી ! તેવા સવાલો વાંકાનેરનાં શાણા મતદારોમાં ઉઠવા પામ્યા હતાં.